ચંદ્ર સાથે ધડાકાભેર અથડાયો સ્પેસએક્સના ફાલ્કન-9નો ભાગ

19 મહિનાથી અંતરિક્ષમાં અનિયંત્રિત ભટકતો રોકેટ 8,690 કિમી પ્રતિ કલાકની ઝડપે ચંદ્ર પર તૂટી પડ્યો; નવો ક્રેટર બનવાની શક્યતા

નવી દિલ્હી: ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સના ફાલ્કન-9 રોકેટનો અનિયંત્રિત ભાગ આખરે ચંદ્રની સપાટી સાથે ધડાકાભેર અથડાયો છે. લગભગ 19 મહિનાથી અંતરિક્ષમાં નિયંત્રણ વગર ભ્રમણ કરી રહેલો આ ભાગ 8,690 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચંદ્રના પશ્ચિમ ભાગમાં આવેલા આઈન્સ્ટાઈન ક્રેટર નજીક તૂટી પડ્યો હોવાનું નાસાએ જણાવ્યું છે.

આ વિસ્તાર પૃથ્વી પરથી સીધો જોઈ શકાતો ન હોવાથી અથડામણના દૃશ્યો હાલ ઉપલબ્ધ નથી. જોકે, નાસાનું લુનાર રિકોનિસન્સ ઓર્બિટર અને દક્ષિણ કોરિયાનું પાથફાઈન્ડર લુનાર ઓર્બિટર આગામી દિવસોમાં ઘટનાસ્થળની તસવીરો લઈ નુકસાનનું મૂલ્યાંકન કરશે.

સ્પેસએક્સના જણાવ્યા મુજબ, ફાલ્કન-9 રોકેટ જાન્યુઆરી 2025માં ચંદ્ર મિશન માટે લોન્ચ કરવામાં આવ્યો હતો. મિશન પૂર્ણ થયા બાદ તેનો ઉપરનો ભાગ અંતરિક્ષમાં જ રહી ગયો હતો અને ત્યારથી કોઈ નિયંત્રણ વગર ભ્રમણ કરી રહ્યો હતો.

વૈજ્ઞાનિકોના અંદાજ મુજબ, આ ટક્કરથી ચંદ્રની સપાટી પર નોંધપાત્ર કદનો નવો ક્રેટર સર્જાયો હોઈ શકે છે. આ ઘટનાથી ભવિષ્યમાં ચંદ્રની સપાટી અને તેની રચના અંગેના સંશોધનને નવી માહિતી મળવાની સંભાવના છે.

નાસાએ સ્પષ્ટ કર્યું છે કે આ અથડામણથી પૃથ્વીને કોઈપણ પ્રકારનો ખતરો નથી. જોકે, અંતરિક્ષમાં વધતા કચરાને લઈને ફરી એકવાર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. યુરોપિયન સ્પેસ એજન્સીના જણાવ્યા મુજબ હાલમાં પૃથ્વીની કક્ષામાં 46 હજારથી વધુ સ્પેસ ડેબ્રિસના ટુકડાઓ પરિભ્રમણ કરી રહ્યા છે, જેનું કુલ વજન આશરે 17 હજાર ટન છે.

Leave a Comment

Traffic Tail