કેદારનાથ હાઇવે સહિત અનેક માર્ગો બંધ, 14 જિલ્લામાં 1.60 લાખ લોકો પૂરથી પ્રભાવિત; જુલાઈ બાદ પણ દેશમાં 11.8% વરસાદની ખાધ
નવી દિલ્હી: ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ ઉત્તર અને પૂર્વ ભારત હજુ ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની આફતમાંથી બહાર આવ્યું નથી. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને આસામમાં વરસાદી કહેરના કારણે જનજીવન પર વ્યાપક અસર પડી છે.
ઉત્તરાખંડમાં ભારે વરસાદ બાદ કેદારનાથ હાઇવે પર ભૂસ્ખલન થતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. સોનપ્રયાગ સહિતના વિસ્તારોમાં યાત્રાળુઓ અટવાઈ ગયા છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં અનેક માર્ગો હજુ પણ બંધ હોવાથી સામાન્ય જનજીવન ખોરવાયું છે.
આસામમાં પૂરનો પ્રકોપ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં વધુ છ લોકોના મોત થતાં વરસાદ અને પૂર સંબંધિત મૃત્યુઆંક વધીને 95 પર પહોંચી ગયો છે. હાલ 14 જિલ્લાઓમાં 1.60 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે અને હજારો લોકોને રાહત શિબિરોમાં આશરો આપવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે, પરંતુ સતત વરસાદ અને નદીઓમાં વધતા જળસ્તરને કારણે પરિસ્થિતિ હજુ સામાન્ય બની શકી નથી.
ભારતીય હવામાન વિભાગના આંકડા મુજબ, જુલાઈ દરમિયાન સારા વરસાદ છતાં દેશમાં હજુ 11.8 ટકા વરસાદની ખાધ નોંધાઈ છે. અત્યાર સુધી 424.9 મિમી વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય સરેરાશ 481.9 મિમી હોવી જોઈએ. હવામાન નિષ્ણાતોના મતે, વૈશ્વિક અલ-નીનોની અસર છતાં સ્થાનિક હવામાન પ્રણાલીઓના કારણે દેશમાં ચોમાસું સક્રિય રહ્યું છે.









