પ્રશ્નપત્ર પરીક્ષા પહેલાં વોટ્સએપ પર વાયરલ થયાનો આરોપ; ભરતી પ્રક્રિયા અટકી, 488 ઉમેદવારોનું ભવિષ્ય અધ્ધર
મુંબઈ: દેશભરમાં પેપર લીક વિરોધી કડક કાયદા પર ચર્ચા ચાલી રહી છે ત્યારે મહારાષ્ટ્રમાંથી વધુ એક ભરતી પરીક્ષા વિવાદમાં આવી છે. મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (MPSC) દ્વારા યોજાયેલી ડ્રગ ઇન્સ્પેક્ટર ભરતી પરીક્ષાનું પ્રશ્નપત્ર પરીક્ષા પહેલાં જ લીક થયું હોવાના ગંભીર આક્ષેપો બાદ ભરતી પ્રક્રિયા પર સવાલો ઊભા થયા છે.
આ વિવાદને પગલે અંતિમ ભરતી પ્રક્રિયા હાલ સ્થગિત રાખવામાં આવી છે. પરિણામે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવનારા 488 ઉમેદવારો હવે આગળની કાર્યવાહી માટે અનિશ્ચિત સમય સુધી રાહ જોવાની સ્થિતિમાં છે.
**રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ)**ના ધારાસભ્ય રોહિત પવારે આરોપ લગાવ્યો છે કે પરીક્ષાનું પ્રશ્નપત્ર અગાઉથી જ વોટ્સએપ મારફતે વાયરલ કરવામાં આવ્યું હતું અને થોડા જ સમયમાં તેને ડિલીટ કરી દેવામાં આવ્યું હતું. તેમણે FDA કમિશનર તુકારામ મુંઢેને મળીને સમગ્ર મામલે પારદર્શક અને સમયબદ્ધ તપાસ કરવાની માંગ કરી છે.
બીજી તરફ MPSCના અધ્યક્ષ વિવેક ભીમનવારે જણાવ્યું કે 22 માર્ચે લગભગ 31 હજાર ઉમેદવારો માટે પરીક્ષા લેવામાં આવી હતી, ત્યારબાદ 12 જૂને પરિણામ જાહેર કરાયું અને 1થી 12 જુલાઈ દરમિયાન ઇન્ટરવ્યૂ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.
આયોગને 21 અને 23 જુલાઈએ ઈ-મેઇલ મારફતે ફરિયાદો તેમજ વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ્સ મળ્યા હતા, જેમાં પ્રશ્નપત્ર પરીક્ષાના બે દિવસ પહેલાં જ લીક થયાનો દાવો કરવામાં આવ્યો હતો. આ તમામ રજૂઆતોને આધારે હવે સમગ્ર ઘટનાની સત્તાવાર તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસના પરિણામ બાદ ભરતી પ્રક્રિયા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.









