રસ્તામાં કાફલો રોકી ગ્રામજનો અને બાળકીઓ સાથે કર્યો આત્મીય સંવાદ; સરળ સ્વભાવે સૌના દિલ જીત્યા
અરવલ્લી: ગુરુપૂર્ણિમાના પવિત્ર પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકામાં આવેલા પ્રસિદ્ધ લુસડિયાધામ પહોંચ્યા હતા. તેમણે આદિજાતિ સમાજના પૂજનીય સંત સુરમલદાસજીની સમાધિ, ધૂણો અને રામદેવપીરની પ્રતિમાના દર્શન કરી રાજ્યના સુખ, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી.
ગુરુપૂર્ણિમાના અવસરે મુખ્યમંત્રીએ સંત સુરમલદાસજીની છઠ્ઠી પેઢીના વારસદાર સંતોનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. લુસડિયાધામના સંતોએ તેમને સંત સુરમલદાસજીની તસવીર અર્પણ કરી આશીર્વાદ પાઠવ્યા હતા. ધામ ટ્રસ્ટના પ્રમુખ ડી.એમ. ભોઈએ સંત સુરમલદાસજીના જીવનપ્રસંગો અને લુસડિયાધામના આધ્યાત્મિક મહિમાની માહિતી આપી હતી.
મુખ્યમંત્રીએ ધામ ખાતે ઉપસ્થિત સંતો, મહંતો અને મોટી સંખ્યામાં આવેલા ભક્તજનો સાથે આત્મીય મુલાકાત કરી હતી. આદિજાતિ પરિવારો સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણીમાં સહભાગી બની તેમણે સૌને શુભેચ્છા પાઠવી હતી.
આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીનો સહજ અને સાદગીભર્યો સ્વભાવ પણ જોવા મળ્યો હતો. શામળાજી તરફ જતાં માર્ગમાં લુસડિયા ગામ પાસે રસ્તા કિનારે ઉભેલા ગ્રામજનો અને શાળાના બાળકોને જોઈ તેમણે પોતાનો કાફલો અટકાવ્યો હતો. ગાડીમાંથી ઉતરી બાળકો સાથે અભ્યાસ, ભવિષ્ય અને સપનાઓ અંગે વાતચીત કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
ગૌરીવ્રત નિમિત્તે માથે કળશ ધારણ કરેલી નાની બાળકીઓએ મુખ્યમંત્રીનું પરંપરાગત સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રી તેમની વચ્ચે સહજ રીતે ભળી જતાં ગ્રામજનોમાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ હતી. પ્રોટોકોલથી ઉપર ઉઠીને લોકો વચ્ચે પહોંચવાના તેમના આ અંદાજે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન રાજ્યમંત્રી પી.સી. બરંડા, ધારાસભ્યો ભીખુસિંહ પરમાર અને ધવલસિંહ ઝાલા, પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ મયૂરભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપના, જિલ્લા વિકાસ અધિકારી મહેક જૈન સહિત રાજકીય, સામાજિક અગ્રણીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.









