ઇંગ્લેન્ડ સામેની કારમી હાર બાદ PCBએ લીધો મોટો નિર્ણય; સાત ખેલાડીઓને ટીમમાંથી પડતા મૂક્યા, નવા ચહેરાઓને મળશે તક
નવી દિલ્હી: પાકિસ્તાન ક્રિકેટ ટીમની હાલત દિવસેને દિવસે વધુ કથળી રહી છે. ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલી પાકિસ્તાની ટીમ ટેસ્ટ શ્રેણીની પ્રથમ બંને મેચમાં કારમી હારનો સામનો કરી ચૂકી છે. આ શરમજનક પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમમાં મોટા ફેરફારો કર્યા છે. સાત ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે અને કોચિંગ સ્ટાફમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ટીમનું ધ્યાન અનુભવી ખેલાડીઓ કરતાં યુવા ખેલાડીઓ સાથે નવી ટીમ તૈયાર કરવા પર હોવાનું માનવામાં આવે છે.
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે પાકિસ્તાન ક્રિકેટની વર્તમાન સ્થિતિ અંગે મોટું નિવેદન આપ્યું છે. ‘OutSide EDGE’ શોમાં વાતચીત દરમિયાન અખ્તરે કહ્યું કે PCB વર્તમાન ટીમથી નિરાશ છે અને હવે ભવિષ્ય માટે નવી ટીમ તૈયાર કરવા તરફ આગળ વધી રહ્યું છે.
‘PCBને હાલની ટીમ પાસેથી કોઈ અપેક્ષા નથી’
શોએબ અખ્તરના જણાવ્યા મુજબ, PCB હાલની ટીમના પ્રદર્શનથી એટલું નિરાશ છે કે બોર્ડ હવે યુવા અને નવા ખેલાડીઓને તક આપવા માગે છે. બોર્ડ એવા ખેલાડીઓને આગળ લાવવા માગે છે, જેઓ પાકિસ્તાન માટે રમવા માટે ખરેખર ઉત્સુક હોય.
અખ્તરે PCBના આ નિર્ણયને યોગ્ય ગણાવતા કહ્યું કે બોર્ડ હવે વર્તમાન પરિસ્થિતિમાંથી બહાર આવીને લાંબા ગાળાના ભવિષ્ય પર ધ્યાન આપી રહ્યું છે. તેમના મતે ટીમમાં બદલાવની પ્રક્રિયા યોગ્ય દિશામાં ચાલી રહી છે.
પાકિસ્તાન ક્રિકેટ ‘વેન્ટિલેટર’ પર!
શોએબ અખ્તરે પાકિસ્તાન ક્રિકેટની ગંભીર સ્થિતિ અંગે ચોંકાવનારો ખુલાસો પણ કર્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે PCBના એક અધિકારીએ પાકિસ્તાન ક્રિકેટની હાલની સ્થિતિને ‘વેન્ટિલેટર પર’ ગણાવી હતી.
અખ્તરના જણાવ્યા મુજબ, રાષ્ટ્રીય ટીમને ફરી મજબૂત સ્થિતિમાં લાવવામાં લગભગ બે વર્ષનો સમય લાગી શકે છે. બોર્ડ હવે આગામી પેઢીના ખેલાડીઓને તૈયાર કરીને નવી ટીમ ઉભી કરવા માગે છે.
શાહીન, નસીમ અને હરિસ માટે અખ્તરની ખાસ અપીલ
જોકે અખ્તરે ટીમમાં મોટા ફેરફારોનું સમર્થન કર્યું છે, પરંતુ તેમણે પાકિસ્તાનના ત્રણ ઝડપી બોલરોની કારકિર્દી બચાવવાની અપીલ કરી છે.
તેમણે શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ અને હરિસ રૌફના નામ લેતા કહ્યું કે આ ત્રણેય ખેલાડીઓમાં હજુ ઘણું ક્રિકેટ બાકી છે. ટીમના પુનર્નિર્માણ દરમિયાન તેમની કારકિર્દીને નુકસાન ન પહોંચે તેનું ધ્યાન PCBએ રાખવું જોઈએ.
‘અમારી ટીમમાં લડવાની ભાવના નહોતી’
ઇંગ્લેન્ડ સામેના પ્રદર્શન અંગે અખ્તરે પાકિસ્તાની ટીમની માનસિકતા પર પણ સવાલ ઉઠાવ્યો હતો. તેમના મતે ટીમમાં મેચમાં ટકી રહેવા અને લડત આપવાની ભાવના જોવા મળી નહોતી.
પાકિસ્તાનની હાલની સ્થિતિને લઈને અખ્તરે કહ્યું કે આ પરિણામ આશ્ચર્યજનક નથી અને ટીમના પ્રદર્શન પરથી પહેલેથી જ સંકેતો મળી રહ્યા હતા કે મોટા ફેરફારોની જરૂર છે.
ઇંગ્લેન્ડ સામે પાકિસ્તાનની હાલત કફોડી
ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનને એક ઇનિંગ્સ અને 103 રનથી હરાવ્યું હતું, જ્યારે બીજી ટેસ્ટમાં 194 રનથી વિજય મેળવીને ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી હતી. આ બે કારમી હાર બાદ PCBએ સાત ખેલાડીઓને બહાર કરી ટીમમાં મોટા ફેરફારો કર્યા છે.
હવે પાકિસ્તાન સામે માત્ર એક ટેસ્ટ બાકી છે, પરંતુ ટીમ માટે આ મેચ માત્ર શ્રેણી બચાવવાનો પ્રયાસ નહીં, પરંતુ નવી શરૂઆતની કસોટી પણ બની શકે છે. PCBના મોટા ફેરફારો બાદ હવે સૌની નજર એ વાત પર છે કે યુવા ખેલાડીઓ સાથે તૈયાર થતી નવી પાકિસ્તાની ટીમ ભવિષ્યમાં કેટલો સુધારો લાવી શકે છે.









