રાજકોટ RPFની સરાહનીય કામગીરીઃ મુસાફરોનો રૂ.2.59 લાખનો સામાન પરત, 6 વિખૂટા પડેલાને પરિવાર સાથે મિલાવ્યા

‘સેવા હી સંકલ્પ’ હેઠળ ઓગસ્ટમાં સુરક્ષા-સેવા સાથે જનજાગૃતિ અભિયાન; ચેઇન પુલિંગના 28 કેસમાં 18 સામે કાર્યવાહી

રાજકોટ: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં RPFએ ઓગસ્ટ મહિનામાં સુરક્ષા સાથે સેવા અને સતર્કતાનો ઉત્તમ સમન્વય દર્શાવ્યો છે. 1થી 31 ઓગસ્ટ દરમિયાન ‘સેવા હી સંકલ્પ’ અંતર્ગત હાથ ધરાયેલી વિવિધ કામગીરીમાં મુસાફરોની મદદ, રેલવે સંપત્તિની સુરક્ષા તેમજ રેલ વ્યવહારને અસર કરતી પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

28 મુસાફરોનો સામાન શોધી પરત કર્યો

‘ઓપરેશન અમાનત’ હેઠળ RPFએ મુસાફરોને મોટી રાહત આપી હતી. ટ્રેન કે સ્ટેશન પર છૂટી ગયેલો સામાન શોધી કાઢીને કુલ 28 મુસાફરોને રૂ.2,59,215ની કિંમતનો સામાન સુરક્ષિત રીતે પરત કરવામાં આવ્યો હતો.

બાળક સહિત 6 લોકોને પરિવાર સાથે મિલાવ્યા

RPFની કામગીરીમાં માનવતાનો પણ સુંદર પરિચય જોવા મળ્યો. ‘ઓપરેશન નન્હે ફરીશ્તે’ હેઠળ એક બાળકને સુરક્ષિત રીતે તેના પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું.

જ્યારે ‘ઓપરેશન ડિગ્નિટિ’ અંતર્ગત પરિવારથી વિખૂટા પડી ગયેલા 5 લોકોને તેમના પરિજનો સાથે મિલન કરાવવામાં આવ્યું હતું.

ચેઇન પુલિંગ સામે RPFનો સપાટો

ટ્રેનોના સમયસર સંચાલનમાં વિક્ષેપ ઊભો કરતી અનધિકૃત ચેઇન પુલિંગ સામે ‘ઓપરેશન સમય પાલન’ હેઠળ કડક કાર્યવાહી કરાઈ હતી. ઓગસ્ટમાં કુલ 28 કેસ નોંધાયા હતા, જેમાં 18 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. તમામ સામે રેલવે એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.

રેલવે સંપત્તિ ચોરીમાં બે ઝડપાયા

‘ઓપરેશન રેલ સુરક્ષા’ હેઠળ રેલવે સંપત્તિ ચોરીના એક કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. બંને સામે નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

ટ્રેકથી લઈને મહિલા સુરક્ષા સુધી જનજાગૃતિ

‘ઓપરેશન જનજાગરણ’ અંતર્ગત RPF પોસ્ટ અને ચોકીઓ દ્વારા મુસાફરો તથા લોકોમાં વ્યાપક જાગૃતિ ફેલાવવામાં આવી હતી. બેનર, પોસ્ટર અને પબ્લિક એનાઉન્સમેન્ટ દ્વારા લોકોને રેલવે ટ્રેક ન ઓળંગવા, ચાલુ ટ્રેનમાં પથ્થરમારો ન કરવા, નશાથી દૂર રહેવા, મહિલા સુરક્ષા અને માનવ તસ્કરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

ગામના સરપંચો અને આગેવાનો સાથે બેઠકો યોજીને પણ રેલવે સુરક્ષા અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

DRMએ RPFની કામગીરીને વખાણી

રાજકોટ ડિવિઝનના DRM ગિરીરાજ કુમાર મીનાએ RPFના પ્રયાસોની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે મુસાફરોની સુરક્ષા અને સુવિધા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ‘સેવા હી સંકલ્પ’ની ભાવના સાથે RPF દ્વારા કરવામાં આવી રહેલી સુરક્ષા, મુસાફર સહાય અને જનજાગૃતિની કામગીરી પ્રશંસનીય છે. સુરક્ષિત અને સુગમ રેલ મુસાફરી માટે આવા પ્રયાસો સતત ચાલુ રહેશે.

Leave a Comment

Traffic Tail