કીમોથેરાપીની આડઅસર ઘટાડવાની દિશામાં મહત્વનું પગલું, બ્રેસ્ટ કેન્સરના પ્રી-ક્લિનિકલ અભ્યાસમાં મળ્યા આશાસ્પદ પરિણામો
કેન્સરની સારવારમાં કીમોથેરાપી લાંબા સમયથી મહત્વપૂર્ણ ઉપચાર છે, પરંતુ તેની આડઅસર દર્દીઓ માટે મોટી સમસ્યા બની રહે છે. કીમોથેરાપી કેન્સર કોષોની સાથે કેટલાક સ્વસ્થ કોષોને પણ નુકસાન પહોંચાડે છે, જેના કારણે વાળ ખરવા, ઉબકા, થાક અને નબળાઈ જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે.
હવે ભારતીય વૈજ્ઞાનિકોએ એવી ‘સ્માર્ટ દવા’ વિકસાવી છે, જે કેન્સર કોષની અંદર પહોંચ્યા બાદ સક્રિય થવા માટે તૈયાર કરવામાં આવી છે. આ અભિગમનો હેતુ સામાન્ય કોષોને ઓછું નુકસાન પહોંચાડી કેન્સર કોષો પર વધુ ચોક્કસ રીતે હુમલો કરવાનો છે.
IASST અને IIT ગુવાહાટીના વૈજ્ઞાનિકોએ વિકસાવેલી RK-251 દવા કેન્સર કોષોમાં રહેલા ચોક્કસ મોલિક્યુલ્સને ઓળખીને સક્રિય થાય છે. કેન્સર કોષોમાં આ મોલિક્યુલ્સનું પ્રમાણ સામાન્ય કોષોની સરખામણીએ વધુ હોય છે. દવા સક્રિય થયા બાદ કેન્સર કોષોના અસ્તિત્વમાં મહત્વની ભૂમિકા ભજવતા પ્રોટીનને નિશાન બનાવે છે.
ટ્રિપલ-નેગેટિવ બ્રેસ્ટ કેન્સરમાં આશાસ્પદ અસર
શરૂઆતી પ્રી-ક્લિનિકલ પરીક્ષણોમાં RK-251એ ટ્રિપલ-નેગેટિવ બ્રેસ્ટ કેન્સર કોષો સામે મજબૂત અસર દર્શાવી છે. સાથે જ સ્વસ્થ કોષો પર તેની અસર પ્રમાણમાં ઓછી જોવા મળી હોવાનું સંશોધનમાં જણાવાયું છે.
ટ્રિપલ-નેગેટિવ બ્રેસ્ટ કેન્સરની સારવાર પડકારજનક હોવાથી આ પરિણામ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. જોકે, આ દવા હજુ સંશોધનના તબક્કામાં છે અને માણસો પર ક્લિનિકલ ટ્રાયલના અનેક તબક્કા બાકી છે.
જો આગામી માનવ પરીક્ષણોમાં દવા સુરક્ષિત અને અસરકારક સાબિત થાય, તો ભવિષ્યમાં કીમોથેરાપીની આડઅસર ઘટાડતી અને કેન્સર કોષોને વધુ ચોકસાઈથી નિશાન બનાવતી સારવાર વિકસાવવાની દિશામાં આ સંશોધન મહત્વનું પગલું બની શકે છે.









