લાયસન્સ રાજમાં મોટો સુધારો! હવે 15 વર્ષ સુધીના પરવાના આપવાની તૈયારી

હોસ્પિટાલિટી ક્ષેત્રે 60 જેટલા લાયસન્સની ઝંઝટ, વારંવારના રિન્યુઅલમાંથી ઉદ્યોગકારોને મળી શકે રાહત

નવી દિલ્હી: વેપાર-ઉદ્યોગોને લાયસન્સની જટિલ પ્રક્રિયામાંથી રાહત આપવા કેન્દ્ર સરકાર હવે લાંબા ગાળાના પરવાના આપવાની દિશામાં આગળ વધી રહી છે. વિવિધ વિભાગો હેઠળ આવતા લાયસન્સની મુદત વધારીને 10થી 15 વર્ષ સુધી કરવાની તૈયારી ચાલી રહી છે.

હાલમાં અનેક લાયસન્સ ટૂંકા ગાળાની મુદત માટે આપવામાં આવે છે અને ત્યારબાદ તેનું રિન્યુઅલ કરાવવું પડે છે. નવી વ્યવસ્થા અમલમાં આવે તો લાયસન્સની જરૂરિયાત યથાવત રહેશે, પરંતુ વારંવાર રિન્યુઅલ કરાવવાની ઝંઝટમાંથી વેપારીઓ અને ઉદ્યોગકારોને રાહત મળી શકે છે.

ખાસ કરીને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં એક જ પ્રોજેક્ટ માટે કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક તંત્ર પાસેથી મળીને 60 જેટલા અલગ-અલગ લાયસન્સ લેવાના થતા હોવાનું સામે આવ્યું છે. પર્યાવરણ, ડ્રગ્સ, એક્સપ્લોઝિવ્સ અને BIS સહિતના વિભાગોના પરવાનાઓને લાંબા ગાળાના કરવાની વિચારણા છે.

લાયસન્સ પ્રથા નહીં થાય ખતમ, પણ મુદત વધશે

સરકાર દ્વારા લાયસન્સ પ્રથા સંપૂર્ણપણે નાબૂદ કરવાના વિકલ્પ પર પણ વિચાર કરવામાં આવ્યો હતો. જોકે, સમીક્ષા બાદ આ વિકલ્પ યોગ્ય ન લાગતાં હવે 10 કે 15 વર્ષના લાંબા ગાળાના લાયસન્સ આપવાનો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો છે.

આ સમગ્ર કવાયત નીતિ આયોગના સભ્ય અને પૂર્વ કેબિનેટ સચિવ રાજીવ ગૌબાના નેતૃત્વ હેઠળની ઉચ્ચસ્તરીય સમિતિ કરી રહી છે. ઓગસ્ટ 2025માં રચાયેલી આ સમિતિને કેન્દ્ર સરકારના નિયમો, નિયંત્રણો, લાયસન્સ અને મંજૂરી પ્રક્રિયાની સમીક્ષા કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

સૂચિત સુધારા હેઠળ વેપાર-ઉદ્યોગોએ જરૂરી લાયસન્સ અને નિયત ફી ભરવાની રહેશે, પરંતુ વારંવાર રિન્યુઅલ કરાવવાની પ્રક્રિયા ઘટશે.

સરકારની આ કવાયતનો મુખ્ય હેતુ ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ને સરળ બનાવવાનો અને ઉદ્યોગો પરનો વહીવટી બોજ ઘટાડવાનો છે. જો આ નિર્ણય અમલમાં આવે તો લાયસન્સ રાજ સંપૂર્ણપણે ખતમ નહીં થાય, પરંતુ તેની ઝંઝટ ચોક્કસપણે ઓછી થઈ શકે છે.

Leave a Comment

Traffic Tail