મુંબઈના કુર્લાના કુરેશી નગરમાં વહેલી સવારે ડિમોલિશનની કામગીરી શરૂ થાય તે પહેલાં જ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. MHADAની ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી માટે ભારે ક્રેન ગોઠવવામાં આવી રહી હતી, તે દરમિયાન અચાનક ક્રેનનું સંતુલન ખોરવાતાં તે ધડાકાભેર ધરાશાયી થઈ હતી.
ભારે ક્રેન નીચે પડતાં આસપાસની કેટલીક ઝૂંપડીઓ અને મકાનો તેની ઝપેટમાં આવી ગયા હતા. ક્રેનનો એક ભાગ કુર્લા-ટ્રોમ્બે વચ્ચેની સિંગલ રેલવે લાઈનના ઓવરહેડ ઇલેક્ટ્રિક વાયર પર પણ પડ્યો હતો. જોકે આ ટ્રેક પર મુખ્યત્વે માલગાડીઓની અવરજવર હોવાથી લોકલ ટ્રેન સેવા પર મોટી અસર થઈ નહોતી.
દુર્ઘટનામાં 8 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તોને સાયન હોસ્પિટલ અને કુર્લા ભાભા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા પ્રમાણે તમામની હાલત સ્થિર છે.
ઘટનાની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. કાટમાળ નીચે કોઈ વ્યક્તિ ફસાઈ છે કે નહીં તે જાણવા સર્ચ ઓપરેશન પણ હાથ ધરાયું છે. ક્રેન ધરાશાયી થવા પાછળ ટેકનિકલ ખામી હતી કે કામગીરી દરમિયાન બેદરકારી દાખવાઈ હતી, તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.









