વારાણસી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં આવેલા લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું આશરે રૂ.2,870 કરોડના ખર્ચે આધુનિકીકરણ અને વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ એરપોર્ટની ક્ષમતા, સુવિધાઓ અને માળખાકીય વિકાસમાં નોંધપાત્ર વધારો થશે.
આ પ્રોજેક્ટની સૌથી વિશેષ બાબત એ છે કે દેશમાં પ્રથમ વખત કોઈ એરપોર્ટના રનવેની નીચેથી નેશનલ હાઇવે પસાર થશે. એટલે કે રનવે પરથી વિમાનો ઉડાન ભરશે, જ્યારે તેની નીચેના માર્ગ પરથી વાહનોની અવરજવર ચાલુ રહેશે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ 24 જૂને પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. તેમણે નિર્માણ કાર્યને ઝડપથી પૂર્ણ કરવા માટે 13 મહિનાની સમયમર્યાદા ઘટાડીને માત્ર 6 મહિનામાં કામ પૂર્ણ કરવાની સૂચના આપી છે. સરકારનું લક્ષ્ય આ વર્ષના અંત સુધીમાં નવું ટર્મિનલ કાર્યરત કરવાનો છે.
હાલના એરપોર્ટ ટર્મિનલની વાર્ષિક મુસાફર ક્ષમતા 40 લાખ છે, જે લગભગ પૂર્ણ ક્ષમતાએ પહોંચી ગઈ છે. નવા 75 હજાર ચોરસ મીટર વિસ્તારમાં બનનારા ટર્મિનલ બાદ વાર્ષિક મુસાફર ક્ષમતા વધીને 60 લાખ સુધી પહોંચી જશે. ઉપરાંત પ્રતિ કલાક મુસાફરોને સંભાળવાની ક્ષમતા પણ 1,050થી વધીને 5,000 થશે.
નવા ટર્મિનલની ડિઝાઇન કાશી વિશ્વનાથ મંદિરથી પ્રેરિત હશે. આંતરિક ભાગમાં ભગવાન શિવની વિવિધ મુદ્રાઓને આધારે આકર્ષક થીમ વિકસાવવામાં આવશે. મુસાફરોની સુવિધા માટે 72 ચેક-ઇન કાઉન્ટર, 8 એરોબ્રિજ, આધુનિક બેગેજ કન્વેયર સિસ્ટમ અને વિશાળ સુરક્ષા તપાસ વિસ્તાર સહિતની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, આ વિસ્તરણ પૂર્ણ થયા બાદ વારાણસી એરપોર્ટ ઉત્તર ભારતના મહત્વપૂર્ણ એવિએશન હબ તરીકે વધુ મજબૂત સ્થાન મેળવશે અને પ્રવાસન તેમજ હવાઈ મુસાફરીને નવી ગતિ મળશે.









