મહાનગરપાલિકા દ્વારા વધુ એક ડિમોલિશન કાર્યવાહી માટે તૈયારી શરૂ કરવામાં આવી છે. વેસ્ટ ઝોનના અમીન માર્ગ પર, સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ નજીક આવેલા ટ્વિન્સ ટાવર પાસેના હિંગળાજનગર વિસ્તારમાં લાંબા સમયથી વસવાટ કરતા લોકોના લગભગ 70 ઝૂંપડાં ખાલી કરવા મનપાએ નોટિસ આપી છે.
મનપાની વિજીલન્સ ટીમની હાજરીમાં જમીનનું ડીમાર્કેશન પણ કરવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાની કિંમત ધરાવતી આ જમીન ખાલી કરાવવાની પ્રક્રિયા માટે તંત્ર દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા 50 વર્ષથી વધુ સમયથી અહીં વસવાટ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં માત્ર 15 દિવસમાં સ્થળ ખાલી કરવાની નોટિસ મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વિસ્તારના રહિશોએ ચોમાસા દરમિયાન કાર્યવાહી ન કરવા અને ચોમાસા બાદ ડિમોલિશન હાથ ધરવા અથવા વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરવા માંગ ઉઠાવી છે. હાલ આ મુદ્દે સ્થાનિકો અને મનપા વચ્ચે ચર્ચા ચાલી રહી છે.









