મુંબઈ: મહારાષ્ટ્રમાં ચોમાસાએ જોર પકડતાં મુંબઈ, થાણે, પુણે સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન મુંબઈ અને તેના ઉપનગરોમાં અંદાજે ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને જનજીવન પ્રભાવિત બન્યું છે.
ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ભારતીય હવામાન વિભાગ (IMD)એ રાજ્યના અનેક વિસ્તારો માટે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તકેદારીના ભાગરૂપે રાયગઢ જિલ્લામાં આંગણવાડીઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
IMDના ડિરેક્ટર બિક્રમ સિંહે જણાવ્યું હતું કે, 2 જુલાઈની સાંજથી વરસાદની ગતિવિધિઓમાં નોંધપાત્ર વધારો થયો છે અને આ સ્થિતિ ઓછામાં ઓછી 6 જુલાઈની રાત સુધી યથાવત રહેવાની શક્યતા છે. તેમણે ખાસ કરીને 6 જુલાઈની રાત્રે નાગરિકોને વધુ સતર્ક રહેવા અને વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, અગાઉ પાણી ભરાયેલા કેટલાક વિસ્તારોમાં હાલ સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ આગામી બે-ત્રણ દિવસ દરમિયાન સતત વરસાદને કારણે ફરીથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
ચોમાસા દરમિયાન ભારે વરસાદ મોટાભાગે મોડી રાત્રે અથવા વહેલી સવારે પડતો હોવાથી લોકોને બિનજરૂરી રીતે બહાર ન નીકળવા, હવામાન વિભાગની સતત અપડેટ પર નજર રાખવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા સલાહ આપવામાં આવી છે.
રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે અને સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.









