રાજકોટ : રાજકોટના શુક્લ પીપળીયા વિસ્તારમાં જમીનના વિવાદમાં પોલીસ અને કથિત વચેટિયાની ભૂમિકા અંગે થયેલા આક્ષેપો બાદ સ્થાનિક રાજકારણ ગરમાયું છે. સમગ્ર મામલે રાજકોટથી ગાંધીનગર સુધી પોલીસ બેડામાં ચર્ચા અને ખળભળાટ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં સામે આવેલા આક્ષેપોમાં જમીનના વિવાદમાં સમાધાન અને વહીવટને લઈને પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઉઠ્યા છે.
હવે શુક્લ પીપળીયાની આ વિવાદિત જમીનના મામલામાં વધુ એક વ્યક્તિની એન્ટ્રી થતાં ચર્ચાએ નવો વળાંક લીધો છે. આ વ્યક્તિએ જમીન ઉપર માલિકીનો દાવો કર્યો હોવાનું કહેવાય છે, પરંતુ ચર્ચા એ છે કે જે વ્યક્તિ બિનખાતેદાર હોય અને જમીનનો ખાતેદાર જ ન હોય, તેની જમીન વિવાદમાં એન્ટ્રી કેવી રીતે થઈ?
આ વ્યક્તિને જમીનના સમગ્ર વિવાદમાં કોણે લાવી? તેને રાજકોટ સુધી કોણના ઈશારે લાવવામાં આવ્યો? જમીનના વિવાદમાં તેની ભૂમિકા શું છે? તેમજ તેની પાછળ કોઈ અન્ય વ્યક્તિ કે વચેટિયાનો હસ્તક્ષેપ છે કે કેમ? જેવા અનેક સવાલો હાલ ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે.
એક તરફ પોલીસ અને કથિત વચેટિયાની ભૂમિકા અંગે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ બિનખાતેદાર વ્યક્તિ દ્વારા જમીન ઉપર માલિકીનો દાવો કરવામાં આવ્યાની ચર્ચાએ સમગ્ર મામલાને વધુ રહસ્યમય બનાવી દીધો છે.
હવે જો આ વ્યક્તિ ખરેખર બિનખાતેદાર છે તો જમીનના વિવાદમાં તેની એન્ટ્રી કોણે કરાવી અને કયા હેતુથી કરાવી? તે અંગે સ્પષ્ટતા થાય તો સમગ્ર પ્રકરણમાં ચાલી રહેલી અનેક અટકળોનો અંત આવી શકે તેમ છે.
હાલ સમગ્ર મામલે અનેક મોઢે અનેક વાતો વહેતી થઈ છે અને પોલીસ તથા જમીન વિવાદના આ કથિત જોડાણને લઈને વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.









