₹39.57 કરોડના 65 હજારથી વધુ ફટાકડાના કાર્ટન જપ્ત; માલિક અને મેનેજર સામે ગુનો નોંધાયો
અમદાવાદ: વસ્ત્રાલમાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં 10 લોકોના મોત બાદ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસની ચાંગોદર પોલીસે મોડાસર ગામ નજીક આવેલા બે ગેરકાયદે ફટાકડા ગોડાઉન પર દરોડા પાડી આશરે ₹39.57 કરોડના ફટાકડાનો જંગી જથ્થો જપ્ત કર્યો છે.
બાતમીના આધારે પોલીસે અંબિકા ટ્રેડલિંક નામના સામસામે આવેલા બે ગોડાઉનમાં તપાસ કરતાં વિવિધ પ્રકારના ફટાકડાના 65,954 કાર્ટન મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં ગોડાઉનમાં અગ્નિ સુરક્ષાની વ્યવસ્થા અત્યંત અપૂરતી હોવાનું સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ, ગોડાઉન બહાર માત્ર ફાયર એક્સ્ટિંગ્વિશર અને રેતીની ડોલ રાખવામાં આવી હતી, પરંતુ ક્ષમતા મુજબ જરૂરી સુરક્ષા સાધનો, વોટર સ્પ્રિન્કલર અને અન્ય અગ્નિશામક વ્યવસ્થા નહોતી. ઉપરાંત બહારના પતરાના શેડમાં પણ ફટાકડાનો જથ્થો સંગ્રહિત કરાયો હતો, જેનાથી આગ કે વિસ્ફોટનું ગંભીર જોખમ ઉભું થયું હતું.
પોલીસે ગોડાઉનના માલિક અમિતકુમાર મોદી અને મેનેજર કિશન પટેલની ધરપકડ કરી બંને સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. વસ્ત્રાલ દુર્ઘટના બાદ ગેરકાયદે ફટાકડા સંગ્રહ સામે રાજ્યભરમાં વધુ સઘન કાર્યવાહી હાથ ધરાય તેવી શક્યતા છે.









