કચ્છમાં વરસાદની ખેંચથી પશુપાલકો ચિંતિત: ઘાસચારાની અછત દૂર કરવા મુખ્યમંત્રી સમક્ષ તાત્કાલિક રાહતની માંગ

કચ્છ: જિલ્લામાં ચોમાસું નબળું રહેતાં વરસાદની ખેંચ સર્જાઈ છે, જેના કારણે પશુપાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘાસચારાની સંભવિત અછતને ધ્યાનમાં રાખીને સરહદ ડેરીના ચેરમેન વલમજી હૂંબલે મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક રાહતના પગલાં લેવા માંગ કરી છે.

રજુઆતમાં રાજ્ય સરકાર સમક્ષ રેલવે મારફતે કચ્છમાં ઘાસચારો પહોંચાડવાની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે, જેથી માલધારીઓને સમયસર પૂરતો ઘાસચારો મળી રહે અને પશુધનને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

આ ઉપરાંત વન વિભાગ પાસે સંગ્રહિત ઘાસનો જથ્થો રાહતદરે માલધારીઓને ઉપલબ્ધ કરાવવા તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઘાસ ડેપો શરૂ કરીને સબસિડીના દરે વિતરણ કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે.

પશુપાલકોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં પૂરતો વરસાદ નહીં પડે તો ઘાસચારાની ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકાર સમયસર જરૂરી પગલાં ભરે અને પશુપાલકોને તાત્કાલિક રાહત પૂરી પાડે તેવી માંગ વધુ ઉગ્ર બની રહી છે.

Leave a Comment

Traffic Tail