રાજકોટ રેલવે સ્ટેશન પરથી 2 કિલો ગાંજા સાથે બિહારનો શખ્સ ઝડપાયો: રેલવે મારફતે ડ્રગ્સ હેરાફેરીનો પર્દાફાશ

રાજકોટ: માદક પદાર્થોની હેરાફેરી માટે પેડલરો હવે નવા રસ્તા અપનાવી રહ્યા છે. આવી જ એક ઘટનામાં રાજકોટ રેલવે સ્ટેશન પરથી રેલવે પોલીસની એલસીબી ટીમે બિહારના એક યુવકને આશરે 2 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યો છે. આરોપી જામનગર પહોંચે તે પહેલાં જ પોલીસે કાર્યવાહી કરીને રૂ.1.14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

રેલવે પોલીસના પીઆઈ એચ. એમ. રાણાના માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસઓજીની ટીમ આંતરરાજ્ય ટ્રેનો પર ખાસ નજર રાખી રહી હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પ્લેટફોર્મ નંબર-1 પર શંકાસ્પદ હાલતમાં ભારે બેગ સાથે ફરતા એક યુવકને અટકાવી તેની તપાસ કરવામાં આવી હતી.

બેગની તલાશી લેતાં અંદરથી રૂ.99 હજાર કિંમતનો અંદાજે 2 કિલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાનો જથ્થો, મોબાઇલ ફોન સહિત કુલ રૂ.1.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપી રાહુલકુમાર અર્જુન મંડલ (ઉં.વ. 25), રહે. સુપૌલ, બિહાર સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ મજૂરી કામ માટે જામનગર જતો હોવાનું અને કામ ન મળે તો ગાંજો વેચીને પરત વતન જવાની વાત કરી હતી. જોકે પોલીસને તેની આ કેફિયત પર શંકા હોવાથી હવે ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો, કોને પહોંચાડવાનો હતો અને તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે નહીં તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

Leave a Comment

Traffic Tail