અમદાવાદમાં બાંગ્લાદેશીઓને શોધવા મોડી રાત્રે મેગા ઓપરેશન: 291 શંકાસ્પદ લોકો અટકાયતમાં, 131 બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું
અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધવા માટે સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોડી રાત્રે સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ અને દરોડાની કાર્યવાહી દરમિયાન કુલ 291 શંકાસ્પદ લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસ અને દસ્તાવેજોની ચકાસણી બાદ 131 લોકો બાંગ્લાદેશી નાગરિક હોવાનું પોલીસ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે બાકીના 160 લોકોની ઓળખ, રહેઠાણ અને નાગરિકતા સંબંધિત દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે. પોલીસે તમામ શંકાસ્પદ વ્યક્તિઓની વિગતવાર પૂછપરછ શરૂ કરી છે અને ગેરકાયદેસર રીતે દેશમાં રહેતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, રાજ્યભરમાં ચાલી રહેલા વિશેષ અભિયાનના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં આગામી દિવસોમાં પણ આવા ચેકિંગ ઓપરેશન ચાલુ રહેશે. આ કાર્યવાહી બાદ અમદાવાદમાં સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે અને ગેરકાયદેસર ઘૂસણખોરી સામે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે.









