સુરત: લસકાણા પોલીસે તાંત્રિક વિધિના બહાને મહિલાઓને વિશ્વાસમાં લઈ સોનાના દાગીના અને રોકડની છેતરપિંડી કરનાર બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે કાર્યવાહી દરમિયાન મહત્વનો મુદ્દામાલ કબજે કરીને સમગ્ર કૌભાંડ અંગે વધુ તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ મહિલાઓને ‘પિતૃદોષ દૂર કરવાની વિધિ’ કરાવવાના બહાને વિશ્વાસમાં લેતા હતા. ત્યારબાદ વિધિના નામે તેમના પાસેથી સોનાના દાગીના અને રોકડ મેળવી છેતરપિંડી આચરતા હતા.
પોલીસ તપાસ દરમિયાન એવો પણ ખુલાસો થયો છે કે આરોપીઓ કબજે કરેલા લાખો રૂપિયાના સોનાને ઓગાળી તેની લગડી બનાવી વેચાણ કરવાની તૈયારીમાં હતા. પોલીસે સમયસર કાર્યવાહી કરીને સોનાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
લસકાણા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉપરાંત આ જ મોડસ ઓપરેન્ડીથી અન્ય કેટલા લોકો ભોગ બન્યા છે તેમજ આ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે.:::









