મેલબોર્ન: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પરમાણુ ઊર્જા ક્ષેત્રે ઐતિહાસિક સહયોગનો નવો અધ્યાય શરૂ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ વચ્ચે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ બંને દેશોએ યુરેનિયમ સપ્લાય સહિત સંરક્ષણ, વેપાર, ઊર્જા, અવકાશ, સાયબર સુરક્ષા અને મહત્વપૂર્ણ ખનિજ ક્ષેત્રોમાં અનેક મહત્વપૂર્ણ કરારો પર સહમતિ જાહેર કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ઓસ્ટ્રેલિયાથી મળનારો યુરેનિયમ પુરવઠો ભારતના સ્વચ્છ ઊર્જા અભિયાનને વધુ મજબૂત બનાવશે. તેમણે જણાવ્યું કે બંને દેશો મળીને ક્રિટિકલ મિનરલ કોરિડોર વિકસાવશે, જે ભવિષ્યની ટેક્નોલોજી અને ઊર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
અવકાશ ક્ષેત્રે પણ બંને દેશો વચ્ચે સહયોગ વધારવામાં આવશે. ઓસ્ટ્રેલિયાના કોકોસ (કીલિંગ) ટાપુઓ પર ભારત માટે સ્પેસ ટ્રેકિંગ ટર્મિનલ સ્થાપિત કરવામાં આવશે, જે ભારતના મહત્ત્વાકાંક્ષી ગગનયાન માનવ અવકાશ મિશનને ટેકનિકલ સહાય પૂરી પાડશે.
પીએમ મોદીએ બંને દેશોના સંબંધોને ક્રિકેટ સાથે સરખાવતા જણાવ્યું કે, “ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધો ક્રિકેટ જેવા છે. અમારી બેઠકો વનડે જેવી આયોજનબદ્ધ, નિર્ણયો T-20 જેવી ઝડપથી લેવાય છે અને અમારી ભાગીદારી ટેસ્ટ મેચ જેટલી લાંબી અને મજબૂત છે.”
આતંકવાદના મુદ્દે પણ બંને દેશોએ એકસાથે કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મોદીએ કહ્યું કે આતંકવાદ સમગ્ર માનવજાત માટે ગંભીર ખતરો છે અને ભારત તથા ઓસ્ટ્રેલિયા આ પડકાર સામે મળીને લડી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે જણાવ્યું કે અત્યાર સુધી બંને દેશોની સપ્લાય ચેઇન જોડાયેલી હતી, પરંતુ નીતિઓમાં તફાવત હતો. આજનો કરાર તે અંતરને દૂર કરવાનું મહત્વપૂર્ણ પગલું છે. તેમણે જણાવ્યું કે 2015ના ભારત-ઓસ્ટ્રેલિયા પરમાણુ સહયોગ કરાર હેઠળ હવે ભારતને યુરેનિયમની નિકાસ માટેની વ્યવસ્થા અમલમાં આવશે.
બંને દેશોએ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ), ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, સેમિકન્ડક્ટર, સાયબર સુરક્ષા અને ડિજિટલ સ્થિતિસ્થાપકતા જેવા ભવિષ્યના ટેક્નોલોજી ક્ષેત્રોમાં સંયુક્ત સંશોધન માટે Australia–India Cyber, Critical Technology and Supply Chain (PACTS) Partnership શરૂ કરવાની પણ જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા પાસે વિશ્વના કુલ યુરેનિયમ ભંડારમાંથી અંદાજે 28 ટકા હિસ્સો છે. આ કરારથી ભારતના પરમાણુ ઊર્જા કાર્યક્રમને લાંબા ગાળે મહત્વપૂર્ણ બળ મળશે અને બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને નવી દિશા મળશે.









