નવી દિલ્હી: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે 8.25 ટકા વાર્ષિક વ્યાજ 15 જુલાઈ સુધીમાં દેશના અંદાજે 34 કરોડ PF ખાતાઓમાં જમા કરવામાં આવશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે આ વર્ષે પ્રથમ વખત સંપૂર્ણ પ્રક્રિયા નવી સેન્ટ્રલાઇઝ્ડ IT સિસ્ટમ દ્વારા ઓટોમેટિક રીતે કરવામાં આવી રહી છે.
મનસુખ માંડવિયાના જણાવ્યા મુજબ EPFOએ તમામ પ્રાદેશિક અને ફીલ્ડ ઓફિસોના રેકોર્ડને એક જ સેન્ટ્રલાઇઝ્ડ નેશનલ ડેટાબેઝ સાથે જોડ્યા છે. હવે સભ્યો દેશની કોઈપણ EPFO ઓફિસમાંથી પોતાની સેવાઓ મેળવી શકશે અને અલગ-અલગ ઓફિસના ચક્કર મારવાની જરૂર રહેશે નહીં.
તેમણે જણાવ્યું કે અગાઉ વ્યાજ જાહેર થયા બાદ ખાતામાં રકમ જમા થવામાં ઓક્ટોબર-નવેમ્બર સુધીનો સમય લાગતો હતો, પરંતુ હવે સમગ્ર પ્રક્રિયા ઓટોમેટેડ બનતા 15 જુલાઈ સુધીમાં 1.44 લાખ કરોડ રૂપિયાથી વધુનું વ્યાજ સીધું સભ્યોના ખાતામાં જમા થશે. સભ્યો પોતાના ખાતામાં જમા થયેલી રકમ ઓનલાઈન પણ ચકાસી શકશે.
હવે દેશના કોઈપણ શહેરમાંથી મળશે પેન્શન સેવા
નવી વ્યવસ્થા હેઠળ EPS પેન્શનધારકો હવે દેશની કોઈપણ EPFO ઓફિસમાં સેવા મેળવી શકશે તેમજ લાઇફ સર્ટિફિકેટ પણ ગમે ત્યાં જમા કરાવી શકશે. ઉપરાંત, પેન્શન હવે દેશના કોઈપણ બેંક ખાતામાં મેળવી શકાશે. અગાઉ પેન્શન માત્ર સંબંધિત બ્રાન્ચ ઓફિસ મારફતે જ મળતું હતું.
નોકરી બદલતાં PF ખાતું આપોઆપ ટ્રાન્સફર થશે
આધાર સાથે જોડાયેલા PF ખાતાઓમાં નોકરી બદલ્યા બાદ હવે ઓટોમેટિક ટ્રાન્સફર થશે. સાથે સર્વિસ હિસ્ટ્રી પણ આપોઆપ ટ્રાન્સફર થવાથી પેન્શન માટે જરૂરી સતત સેવા (Continuity of Service) જળવાઈ રહેશે. અગાઉ આ માટે જૂના અને નવા એમ્પ્લોયર તેમજ EPFOની મંજૂરી સાથે અલગથી અરજી કરવાની જરૂર પડતી હતી.
₹5 લાખ સુધીના ક્લેમનું ઝડપથી સેટલમેન્ટ
EPFOએ જણાવ્યું કે ₹5 લાખ સુધીના ક્લેમનું ઓટો સેટલમેન્ટ કરવામાં આવશે અને મંજૂરી મળ્યાના જ દિવસે રકમ સીધી સભ્યના બેંક ખાતામાં જમા થશે. ઉપરાંત, હવે અંતિમ PF સેટલમેન્ટ દરમિયાન વ્યાજની ગણતરી ચુકવણીની મંજૂરીની તારીખ સુધી કરવામાં આવશે.
ક્લેમ રિજેક્ટ થવાની શક્યતા ઘટશે
નવી યુનિફાઇડ મેમ્બર પોર્ટલ પર સભ્યોને PF બેલેન્સ, ક્લેમ સ્ટેટસ, પેન્શન માટેની પાત્ર સેવા અને અન્ય તમામ વિગતો એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે. ક્લેમ ફાઇલ કરતી વખતે કોઈપણ ભૂલ અથવા દસ્તાવેજની ખામી હશે તો તેની જાણ ઓનલાઈન અને SMS દ્વારા કરવામાં આવશે, જેથી સભ્ય તરત જ જરૂરી સુધારો કરી શકશે. EPFOના જણાવ્યા મુજબ નવી વ્યવસ્થાથી ક્લેમ રિજેક્ટ થવાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા છે.









