કાશ્મીરમાં ભારે વરસાદથી તબાહી: પૂર અને ભૂસ્ખલનથી હાઈવે બંધ, પ્રવાસીઓ ફસાયા

કિશ્તવાડ-ડોડામાં વાદળ ફાટતાં માર્ગો ધોવાયા; બજારોમાં પૂર જેવી સ્થિતિ, અનેક ઈમારતો અને મંદિરોને નુકસાન

શ્રીનગર: મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવ વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં પણ ભારે વરસાદે ભારે વિનાશ વેર્યો છે. સતત વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓના કારણે કિશ્તવાડ અને ડોડા જિલ્લામાં પૂર તેમજ ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ છે. અનેક માર્ગો બંધ થઈ જતાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ વિવિધ સ્થળોએ ફસાઈ ગયા છે.

મળતી માહિતી મુજબ, કિશ્તવાડ અને ડોડા જિલ્લામાં વાદળ ફાટ્યા બાદ કાદવ, ખડકો અને પથ્થરોનો ધસારો થયો હતો. અનેક વાહનો કાટમાળ નીચે દટાઈ ગયા હતા, જ્યારે સુરક્ષાના કારણોસર નેશનલ હાઈવે-244 પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે સ્થગિત કરવામાં આવ્યો હતો.

ભારે વરસાદના કારણે અનેક બજાર વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રહેણાંક ઈમારતો, ધાર્મિક સ્થળો અને મંદિરોને પણ નુકસાન પહોંચ્યાના અહેવાલો સામે આવ્યા છે. માર્ગો અવરોધિત થતાં અનેક પ્રવાસીઓ અને સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે માર્ગોને નોંધપાત્ર નુકસાન થયું છે, પરંતુ હાલ સુધી કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. તેમણે જણાવ્યું કે વહીવટી તંત્ર, બચાવ દળો અને સ્થાનિક એજન્સીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને પુનઃસ્થાપન કામગીરીમાં વ્યસ્ત છે.

હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તંત્ર દ્વારા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને જરૂરી સાવચેતી રાખવા તથા હવામાન અનુકૂળ ન બને ત્યાં સુધી બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરવામાં આવી છે.

Leave a Comment

Traffic Tail