ટોર્નેડો અને ધોધમાર વરસાદથી ભારે તબાહી; 48 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, રાષ્ટ્રપતિ શી જિનપિંગે ‘ઓલ-આઉટ’ રાહત કામગીરીના આપ્યા આદેશ
બેઇજિંગ: ચીનના મધ્ય અને દક્ષિણ વિસ્તારોમાં ત્રાટકેલા ભીષણ વાવાઝોડા, ટોર્નેડો અને ભારે વરસાદે ભારે વિનાશ સર્જ્યો છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે, જ્યારે 275થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સત્તાવાર અહેવાલોમાં જણાવાયું છે. ઉપરાંત નવ લોકો હજુ પણ ગુમ હોવાનું સામે આવ્યું છે.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તમામ સરકારી એજન્સીઓને રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવા તેમજ અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવાના આદેશ આપ્યા છે.
સોમવારે હુબેઈ પ્રાંતમાં અચાનક હવામાનમાં આવેલા પલટા બાદ હુઆંગશી અને હુઆંગગાંગ શહેરોમાં ટોર્નેડો અને તોફાની પવને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. સરકારી મીડિયા મુજબ માત્ર હુઆંગગાંગ જિલ્લામાં જ 275થી વધુ લોકો ઘાયલ થયા છે. બચાવ દળોએ સેંકડો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે, જોકે અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનનો આંકડો હજુ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બીજી તરફ, દક્ષિણ ચીનના ગુઆંગક્ષી વિસ્તારમાં ‘માયસાક’ વાવાઝોડાની અસરથી ઈમરજન્સી જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે નાનિંગ સહિતના વિસ્તારોમાં પૂરનો ખતરો વધતા પૂર નિયંત્રણ તંત્રને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે.
આ વિસ્તારમાં એક જળાશયનો ડેમ તૂટી જતાં કાદવયુક્ત પાણી રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યું હતું. અનેક ઘરો અને વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પૂરનું જોખમ વધતાં અત્યાર સુધીમાં 48 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. બચાવ ટીમો લાઈફ જેકેટ, ઈન્ફ્લેટેબલ બોટ અને અન્ય સાધનોની મદદથી પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરીમાં સતત વ્યસ્ત છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદ અને તોફાની પવનની આગાહી કરતા અસરગ્રસ્ત વિસ્તારોમાં વધુ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.









