જમ્મુ-કાશ્મીરમાં વરસાદનો કહેર: પૂર અને ભૂસ્ખલનના ખતરાને લઈ હાઈ એલર્ટ જાહેર

આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી; અનેક જિલ્લાઓમાં ફ્લેશ ફ્લડ અને લેન્ડસ્લાઈડનું જોખમ વધ્યું

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં ચોમાસાએ ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન પર અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી સતત વરસાદ રહેવાની આગાહી સાથે સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેશ ફ્લડ, ભૂસ્ખલન અને મડસ્લાઈડના ગંભીર જોખમ અંગે હાઈ એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં સાંબા જિલ્લામાં સૌથી વધુ 87 મીમી વરસાદ નોંધાયો છે. ઉપરાંત કટડામાં 71.2 મીમી, ઉધમપુરમાં 65 મીમી અને જમ્મુ શહેરમાં 52 મીમી વરસાદ વરસ્યો છે. સતત વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.

વિભાગે જણાવ્યું છે કે 29 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન જમ્મુ વિભાગના અનેક સંવેદનશીલ વિસ્તારોમાં અચાનક પૂર અને ભૂસ્ખલનની શક્યતા છે, જ્યારે 3થી 5 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર વધુ વધતાં કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ નોંધાઈ શકે છે.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રે સ્થાનિક રહેવાસીઓ, પ્રવાસીઓ અને અમરનાથ સહિતના યાત્રાળુઓને વિશેષ સતર્ક રહેવા સૂચના આપી છે. નદી-નાળા, ઝરણાં અને જળાશયોથી દૂર રહેવા, ભૂસ્ખલન સંભવિત પહાડી માર્ગો પર બિનજરૂરી મુસાફરી ટાળવા અને માત્ર સત્તાવાર હવામાન સૂચનાઓને અનુસરવા અપીલ કરવામાં આવી છે.

પ્રશાસને જણાવ્યું છે કે કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિનો સામનો કરવા બચાવ અને રાહત તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે.

Leave a Comment

Traffic Tail