નવી દિલ્હી: ગુજરાતે કૃષિ ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. નવી દિલ્હી ખાતે યોજાયેલા 17મા એગ્રીકલ્ચર લીડરશીપ કોન્ક્લેવ-2026માં બાગાયત ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્યને પ્રતિષ્ઠિત ‘એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ-2026’ એનાયત કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ કિસનરાવ બગડેના હસ્તે આ એવોર્ડ ગુજરાત સરકારને અર્પણ કરવામાં આવ્યો હતો. રાજ્ય વતી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ સન્માન સ્વીકાર્યું હતું.
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં બાગાયત ક્ષેત્રે અપનાવવામાં આવેલી આધુનિક નીતિઓ, નવાચાર અને ખેડૂતોના પરિશ્રમના પરિણામે રાજ્યને આ રાષ્ટ્રીય સન્માન મળ્યું છે. તેમણે આ એવોર્ડ રાજ્યના લાખો અન્નદાતા ખેડૂતો, બાગાયત ક્ષેત્ર સાથે જોડાયેલા કર્મયોગીઓ અને કૃષિ વિભાગની ટીમને સમર્પિત કર્યો હતો.
વર્ષ 1998થી કાર્યરત એગ્રીકલ્ચર ટુડે ગ્રુપ દ્વારા દેશના કૃષિ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરીને પ્રોત્સાહન આપવા માટે આ એવોર્ડ આપવામાં આવે છે. વર્ષ 2008થી શરૂ થયેલી આ પુરસ્કાર પરંપરાના મૂલ્યાંકન માટે ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ પી. સદાશિવમની અધ્યક્ષતામાં જ્યુરી કાર્ય કરે છે.
ગુજરાતને અગાઉ પણ કૃષિ ક્ષેત્રે અનેક વખત આ સન્માન પ્રાપ્ત થયું છે. વર્ષ 2009 અને 2014માં રાજ્યને ‘શ્રેષ્ઠ કૃષિ રાજ્ય’ તરીકે એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ 2018માં ફરી શ્રેષ્ઠ કૃષિ રાજ્ય તરીકે અને 2019માં પશુપાલન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્યને આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
સાત વર્ષ બાદ હવે બાગાયત ક્ષેત્રમાં મળેલું આ રાષ્ટ્રીય સન્માન ગુજરાતની કૃષિ વિકાસયાત્રામાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહ્યું છે. રાજ્યમાં આધુનિક ખેતી, મૂલ્યવર્ધન, ટેક્નોલોજી આધારિત ઉત્પાદન અને ખેડૂતોને કેન્દ્રમાં રાખી અમલમાં મુકાયેલી નીતિઓને દેશભરમાં એક મોડેલ તરીકે પણ માન્યતા મળી રહી છે.
સમારોહ દરમિયાન કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રાજ્યપાલ હરિભાઉ કિસનરાવ બગડે, ઉત્તર પ્રદેશના કૃષિ મંત્રી સૂર્યપ્રતાપ સાહી તેમજ પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ પી. સદાશિવમે ગુજરાતની કૃષિ નીતિઓ અને બાગાયત ક્ષેત્રે થયેલી પ્રગતિની પ્રશંસા કરી હતી. તેમણે રાજ્ય સરકાર અને ગુજરાતના ખેડૂતોને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.









