ગાંધીનગર: રાજ્યના પૂર્વ અગ્નિવીરો માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે કે હવે રાજ્ય સરકારની વિવિધ સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા સંબંધિત ભરતી પ્રક્રિયામાં પૂર્વ અગ્નિવીરોને વિશેષ લાભ આપવામાં આવશે.
સરકારના નિર્ણય અનુસાર, પોલીસ, જેલ અને વન વિભાગની વર્ગ-3 સંવર્ગની સીધી ભરતીમાં પૂર્વ અગ્નિવીરો માટે 20 ટકા અનામત રાખવામાં આવશે. આ ઉપરાંત ભરતી પ્રક્રિયામાં શારીરિક કસોટીમાંથી મુક્તિ અને વયમર્યાદામાં પણ વિશેષ છૂટ આપવામાં આવશે.
નવી જોગવાઈ મુજબ રાજ્ય પોલીસ દળના હથિયારી વિભાગ, સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP), જેલ વિભાગ તેમજ વન અને પર્યાવરણ વિભાગ હેઠળની વિવિધ જગ્યાઓની ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને સીધો લાભ મળશે. સરકારનું માનવું છે કે અગ્નિવીરો પાસે રહેલી તાલીમ અને અનુભવનો લાભ રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને મળશે.
મહત્વની વાત એ છે કે ભરતી માટેની નિર્ધારિત મહત્તમ વયમર્યાદામાં ત્રણ વર્ષની છૂટ આપવામાં આવશે. જ્યારે અગ્નિવીર યોજનાની પ્રથમ બેચના ઉમેદવારો માટે પાંચ વર્ષ સુધીની વયમર્યાદામાં રાહત આપવામાં આવશે, જેથી તેઓ સરકારી નોકરીઓ માટે વધુ તક મેળવી શકે.
આ નિર્ણય હેઠળ હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, SRP પ્લાટૂન કમાન્ડર અને પોલીસ કોન્સ્ટેબલ જેવી જગ્યાઓની ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને અનામતનો લાભ મળશે. ઉપરાંત જેલ વિભાગમાં જેલર ગ્રુપ-2 અને જેલ સિપાઈ તેમજ વન વિભાગમાં વનરક્ષક વર્ગ-3 અને વનપાલ વર્ગ-3ની ભરતીમાં પણ આ જોગવાઈ અમલમાં આવશે.
રાજ્ય સરકારના આ નિર્ણયને અગ્નિવીર યોજના પૂર્ણ કરનારા યુવાનો માટે મોટી રાહત અને નવી કારકિર્દીની તક તરીકે જોવામાં આવી રહ્યો છે. સરકારનું માનવું છે કે દેશસેવાનો અનુભવ ધરાવતા યુવાનોને રાજ્યની વિવિધ સુરક્ષા સેવાઓમાં જોડવાથી વ્યવસ્થામાં વધુ કાર્યક્ષમતા અને શિસ્ત આવશે.
આ નિર્ણય બાદ રાજ્યના હજારો પૂર્વ અગ્નિવીરોને સરકારી નોકરીમાં પ્રવેશ માટે નવી આશા અને વધુ તકો ઉપલબ્ધ થશે.









