લખનૌ અગ્નિકાંડમાં સીએમ યોગીનો કડક એક્શન, 4 અધિકારી સસ્પેન્ડ અને 4 આરોપીઓની ધરપકડ

લખનૌ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના અલીગંજ વિસ્તારમાં આવેલી એક કોમર્શિયલ બિલ્ડિંગમાં ભયાનક આગ લાગવાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. કોચિંગ સેન્ટરમાં લાગેલી આગમાં 15 જેટલા વિદ્યાર્થીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. દુર્ઘટના બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તાત્કાલિક કડક કાર્યવાહી કરતાં ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે, જ્યારે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

માહિતી અનુસાર, અલીગંજ વિસ્તારમાં આવેલી બહુ માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં અચાનક આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ અથવા એસીના કમ્પ્રેસરમાં વિસ્ફોટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે.

દુર્ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસના આદેશ આપ્યા હતા. SITને સાત દિવસમાં તપાસ અહેવાલ સોંપવા માટે સૂચના આપવામાં આવી છે.

આ ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું છે. સાથે જ મૃતકોના પરિવારજનોને રૂ. 7 લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.

તપાસ દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ બેદરકારી સામે આવતા વીજ વિભાગ, ફાયર વિભાગ અને વિકાસ સત્તામંડળ સાથે સંકળાયેલા ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સરકારનું માનવું છે કે જો સમયસર નિયમોનું પાલન થયું હોત તો આ દુર્ઘટના ટાળી શકાય તેમ હતી.

પોલીસે બિલ્ડિંગના માલિક સહિત ચાર લોકોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલુ છે. અલીગંજ પોલીસ સ્ટેશનમાં કુલ છ લોકો સામે નામજોગ FIR નોંધવામાં આવી છે.

તપાસ દરમિયાન એક ચોંકાવનારી માહિતી પણ સામે આવી છે. અહેવાલ મુજબ, વર્ષ 2016માં આ બિલ્ડિંગને તોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ અજાણ્યા કારણોસર તે કાર્યવાહી અંતિમ ક્ષણે અટકાવી દેવામાં આવી હતી. હવે SIT આ મુદ્દાની પણ ઊંડાણપૂર્વક તપાસ કરશે.

આ દુર્ઘટના બાદ રાજ્યભરમાં કોમર્શિયલ બિલ્ડિંગો, કોચિંગ સેન્ટરો અને જાહેર સ્થળોએ ફાયર સેફ્ટી વ્યવસ્થાની ચકાસણી શરૂ કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Comment

Traffic Tail