ગુજરાતી સમુદાય અને વિદેશી કંપનીઓ સાથે કરશે મુલાકાત, રોકાણ માટે આપશે આમંત્રણ
રાજકોટઃ આગામી વર્ષે યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત સમિટને લઈને રાજ્ય સરકારે અત્યારથી જ પૂર્વ તૈયારીઓ શરૂ કરી છે. ગુજરાતમાં વિદેશી રોકાણ વધારવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાના પ્રવાસે છે. સાનફ્રાન્સિસ્કો પહોંચેલા મુખ્યમંત્રીનું ભારતીય દૂતાવાસના અધિકારીઓ તેમજ ત્યાં વસતા ભારતીય અને ગુજરાતી સમુદાય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા પ્રવાસ દરમિયાન ન્યૂયોર્ક અને વોશિંગ્ટનની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ કેનેડાના ટોરન્ટો જશે. આ પ્રવાસમાં રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ પણ મુખ્યમંત્રી સાથે જોડાયું છે.
વિદેશ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ગુજરાતી ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સાથે મુલાકાત કરશે. ગુજરાતમાં રોકાણની તકો અંગે ચર્ચા કરવા ઉપરાંત વિવિધ મલ્ટીનેશનલ કંપનીઓના વડાઓ સાથે બેઠકો યોજાશે અને તેમને વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા તથા રાજ્યમાં રોકાણ કરવા માટે આમંત્રિત કરવામાં આવશે.
મુખ્યમંત્રી કાર્યાલયના ઉચ્ચ અધિકારીઓ પણ પ્રવાસમાં જોડાયા છે, જેમાં સંજીવકુમાર અને વિક્રાંત પાંડેનો સમાવેશ થાય છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટને લઈને વિદેશી રોકાણકારોને ગુજરાત તરફ આકર્ષવાની દિશામાં મુખ્યમંત્રીનો આ પ્રવાસ મહત્વપૂર્ણ બની રહ્યો છે.









