ચોમાસું જામતાં ગુજરાતના અનેક જાણીતા ધોધો સક્રિય થયા છે. ગિરમાળ, ગીરા, ઝાંઝરી, નિનાઈ, જમજીર અને ઝરવાણી જેવા ધોધોમાં પાણીનો પ્રવાહ વધતા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. જોકે, વધતા પાણી સાથે અકસ્માતનું જોખમ પણ વધી ગયું છે.
ઝાંઝરી ધોધ આસપાસ 5 કિમી વિસ્તારમાં પ્રતિબંધ
અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રે 9 જુલાઈથી 6 સપ્ટેમ્બર સુધી ઝાંઝરી ધોધથી ગંગેશ્વર મહાદેવ ચેકડેમ સુધીનો આશરે 5 કિમી વિસ્તાર પ્રતિબંધિત જાહેર કર્યો છે.
પ્રતિબંધિત વિસ્તારમાં નદીમાં નહાવા, પાણીના કિનારે જવા તથા જોખમી ખડકો પર ચઢવા પર મનાઈ રહેશે. આ ઉપરાંત જોખમી સ્થળોએ સેલ્ફી, ફોટોગ્રાફી અને વીડિયો બનાવવાનું પણ પ્રતિબંધિત કરાયું છે.
તહેવારો અને જાહેર રજાઓ દરમિયાન પ્રવાસીઓની ભીડને ધ્યાનમાં રાખીને તંત્રએ આ નિર્ણય લીધો છે. ચોમાસામાં પાણીનો પ્રવાહ અચાનક વધી શકે છે, જેથી પ્રવાસીઓની સુરક્ષા અને અકસ્માતો અટકાવવા આ પગલું લેવામાં આવ્યું છે.









