‘ડાર્ક પેટર્ન’થી છુપા ચાર્જ વસૂલવાનો ખુલાસો; હવે સ્ક્રીન પર જ સંપૂર્ણ કિંમત બતાવવી ફરજિયાત
નવી દિલ્હી: ઓનલાઈન ખરીદી દરમિયાન ગ્રાહકોને ઓછી કિંમત બતાવી બાદમાં વધારાના ચાર્જ વસૂલતી કંપનીઓ સામે કેન્દ્ર સરકારે કડક કાર્યવાહી હાથ ધરી છે. **સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)**એ ‘ડાર્ક પેટર્ન’ અપનાવી ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા બદલ ઝેપ્ટો, ઇન્ડિગો, બુક માય શો સહિત 9 ડિજિટલ પ્લેટફોર્મ્સ પર લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
તપાસમાં સામે આવ્યું છે કે ગ્રાહકને શરૂઆતમાં ઓછી કિંમત દર્શાવવામાં આવે છે, પરંતુ પેમેન્ટ સમયે હેન્ડલિંગ ફી, મેમ્બરશિપ, ડોનેશન અને અન્ય સર્વિસ ચાર્જ ઉમેરી અંતિમ બિલ વધારી દેવામાં આવે છે. આ પદ્ધતિથી લાખો ગ્રાહકો દરરોજ વધારાની રકમ ચૂકવવા મજબૂર બનતા હોવાનું નોંધાયું છે.
કાર્યવાહીમાં ઝેપ્ટો, ઇન્ડિગો, બુક માય શો, ફિઝિક્સવાલા, ફર્સ્ટક્રાય, ફાર્મઇઝી, મેકમાયટ્રિપ, સ્પાઇસજેટ અને અનુજ જિંદાલ સહિતના પ્લેટફોર્મ્સનો સમાવેશ થાય છે. જેમાં ઝેપ્ટો પર ₹7 લાખ અને ફિઝિક્સવાલા પર ₹5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે અન્ય કંપનીઓ પર પણ લાખો રૂપિયાની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.
CCPAએ તમામ કંપનીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે હવે ગ્રાહકોને ઓર્ડર કન્ફર્મ કરતાં પહેલાં કુલ ચૂકવવાની અંતિમ કિંમત સ્પષ્ટ રીતે દર્શાવવી ફરજિયાત રહેશે. કોઈપણ પ્રકારના છુપા અથવા ફરજિયાત વધારાના ચાર્જ વસૂલવા સામે કડક પગલાં લેવામાં આવશે.
એક અભ્યાસ મુજબ ભારતમાં 88 ટકા ઓનલાઈન ગ્રાહકો ડાર્ક પેટર્નનો ભોગ બને છે અને આવી પ્રથાઓથી દર વર્ષે અંદાજે ₹28 હજાર કરોડથી વધુની વધારાની વસૂલાત થાય છે. સરકારનું માનવું છે કે આ કાર્યવાહીથી ઈ-કોમર્સ ક્ષેત્રમાં પારદર્શિતા વધશે અને ગ્રાહકોના અધિકારોને વધુ મજબૂતી મળશે.









