નવી દિલ્હી: શુભમન ગિલની આગેવાનીમાં ભારતીય ટીમ શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચોની સિરીઝ રમવા તૈયાર છે. 15 ઓગસ્ટથી શરૂ થનારી આ સિરીઝ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27ની ફાઇનલની રેસ માટે ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
હાલ ભારત WTC પોઈન્ટ ટેબલમાં 48.15 ટકા સાથે પાંચમા સ્થાને છે, જ્યારે શ્રીલંકા 41.67 ટકા સાથે છઠ્ઠા ક્રમે છે. ભારત જો સિરીઝમાં ક્લીન સ્વીપ કરશે તો તેની પોઈન્ટ ટકાવારી 57.58 ટકા સુધી પહોંચી શકે છે અને ફાઇનલની રેસમાં તેનું સ્થાન વધુ મજબૂત બનશે. બીજી તરફ શ્રીલંકા માટે પણ આ સિરીઝ ‘કરો અથવા મરો’ સમાન છે.
આ પ્રવાસ દરમિયાન ભારત એક ઐતિહાસિક સિદ્ધિ પણ હાંસલ કરશે. શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ ટીમ ઈન્ડિયાની 600મી ટેસ્ટ મેચ બનશે. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં 600 ટેસ્ટ રમનાર ભારત ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા બાદ માત્ર ત્રીજો દેશ બનશે.
WTC 2025-27માં ભારત માટે સૌથી વધુ રન કરનાર બેટ્સમેન:
- શુભમન ગિલ – 950
- કે.એલ. રાહુલ – 796
- રવિન્દ્ર જાડેજા – 725
- યશસ્વી જાયસવાલ – 713
- ઋષભ પંત – 528
ભારતે અત્યાર સુધી રમેલી 599 ટેસ્ટમાંથી 136માં જીત મેળવી છે, જ્યારે 188માં હારનો સામનો કર્યો છે. હવે શ્રીલંકા સામેની સિરીઝમાં જીત સાથે ટીમ ઈન્ડિયા WTCની રેસમાં મજબૂત દાવેદારી નોંધાવવા ઉતરશે.









