હળવદના ચરાડવા પાસે ગમખ્વાર અકસ્માત: કિયા કાર ડમ્પરમાં ઘૂસી જતા પાંચના મોત, બે ગંભીર

મોરબી-હળવદ હાઇવે પર આવેલા ચરાડવા ગામ નજીક શનિવારે રાત્રે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કિયા કાર ડમ્પરમાં ઘૂસી જતાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવી પડી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, હળવદ તાલુકાના રણછોડગઢ ગામના રહેવાસી પરેશ દિલીપભાઈ ડઢૈયાનું માનસર ગામ નજીક બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. પરેશને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવા તેમના પિતા દિલીપભાઈ સહિત ગામના અન્ય આગેવાનો કિયા કારમાં માનસર તરફ ગયા હતા. બાદમાં ઇજાગ્રસ્ત પરેશને વધુ ઝડપથી હોસ્પિટલ પહોંચાડવાના હેતુથી 108 એમ્બ્યુલન્સમાંથી કારમાં બેસાડીને મોરબી તરફ લઈ જવાઈ રહ્યો હતો.

દરમિયાન રાત્રે આશરે 9:30 વાગ્યે ચરાડવા ગામ નજીક પેટ્રોલ પંપ સામે રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર સીધી ડમ્પરમાં ઘૂસી ગઈ હતી.

અકસ્માતમાં સુરેશભાઈ વિસાભાઈ સિહોરા (ઉ.વ. 47), વિરમભાઈ ભીમાભાઈ ડઢૈયા (ઉ.વ. 28) અને પરેશભાઈ દિલીપભાઈ ડઢૈયા (ઉ.વ. 24)નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત પ્રેમજીભાઈ ડઢૈયા (ઉ.વ. 59) અને ભરતભાઈ ડઢૈયા (ઉ.વ. 39)નું સારવાર દરમિયાન મોત થતાં મૃત્યુઆંક પાંચ પર પહોંચ્યો હતો.

અકસ્માતમાં રણછોડગઢ ગ્રામ પંચાયતના ઉપસરપંચ પ્રકાશભાઈ ભરતભાઈ ડઢૈયા (ઉ.વ. 25) અને દિલીપભાઈ ભગવાનજીભાઈ ડઢૈયા (ઉ.વ. 59) ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

મૃતકોમાં હળવદ તાલુકા પંચાયતના આમ આદમી પાર્ટીના સભ્ય પ્રેમજીભાઈ ડઢૈયાનો પણ સમાવેશ થાય છે. એક જ ગામ અને પરિવારના પાંચ લોકોના એકસાથે મોત થતાં રણછોડગઢ સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

ઘટનાની જાણ થતાં હળવદ પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હળવદ સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે અને તેની શોધખોળ માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

આ સમગ્ર મામલે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ ચાલી રહી છે.

Leave a Comment

Traffic Tail