રાજકોટમાં યોજાનાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની કથા અને દરબાર પહેલા સોશિયલ મીડિયા પર વિવાદ ઊભો થયો છે. પાટીદાર આગેવાન પરષોત્તમ પીપળીયાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કાર્યક્રમનો વિરોધ નોંધાવ્યો છે. તેમણે આ કાર્યક્રમને “અંધશ્રદ્ધાનો કુંભ મેળો” ગણાવી વૈજ્ઞાનિક યુગમાં આવા આયોજન પર સવાલ ઉઠાવ્યા છે.
માહિતી મુજબ, રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી 5, 6 અને 7 જૂન દરમિયાન બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા અને દરબારનું આયોજન થવાનું છે. કાર્યક્રમ પહેલા જ સોશિયલ મીડિયા પર ચર્ચા અને વિરોધનો માહોલ ગરમાયો છે.
પરષોત્તમ પીપળીયાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે આવા મોટા ધાર્મિક મેળાવડાઓથી અંધશ્રદ્ધાને પ્રોત્સાહન મળે છે. સાથે જ તેમણે પર્યાવરણ અને ઇંધણના મુદ્દાને જોડતા કહ્યું કે લાખો લોકોના અવરજવરથી પેટ્રોલ અને ડીઝલનો વ્યય થશે, જે હાલની પરિસ્થિતિમાં યોગ્ય નથી.
તેમણે પ્રશાસન સામે પણ સવાલો ઉઠાવ્યા હતા કે આવા “તાંત્રિક પ્રકારના કાર્યક્રમો” સામે તંત્ર મૌન કેમ છે. બીજી તરફ, ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થકો તેમને સનાતન ધર્મના પ્રચારક તરીકે જોવે છે અને તેમના દરબારમાં લાખો ભક્તો ઉમટતા હોવાનો દાવો કરે છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ બાગેશ્વર ધામ અને ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમોને લઈને દેશના વિવિધ ભાગોમાં ચર્ચા અને વિવાદ સર્જાયા હતા. હવે રાજકોટમાં યોજાનાર કાર્યક્રમ પહેલા ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.









