રાજકોટના નવા મેયર કોણ?

ઓબીસી કે સવર્ણ? સિનિયર કે જુનિયર? રાજકીય વર્તુળોમાં જબરી ઉતેજના

અમદાવાદમાં નવા મેયર તરીકે હિતેશ બારોટની વરણી કરવામાં આવી છે, જ્યારે મોરબીમાં નાની ઉંમરના ઉત્તમ સુરાણીને મેયર પદે બેસાડાતા હવે રાજકોટના રાજકારણમાં પણ નવા મેયર મુદ્દે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના નવા મેયર તરીકે કોના નામ પર મહોર લાગશે તે મુદ્દે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ અને અટકળો તેજ બની ગઈ છે.

ભાજપ હાઈકમાન્ડ દ્વારા અમદાવાદમાં ઓબીસી ચહેરા પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે, તો બીજી તરફ મોરબીમાં યુવા નેતૃત્વને આગળ ધપાવવાનો સંદેશ આપવામાં આવ્યો છે. આ બંને નિર્ણયો બાદ રાજકોટમાં પણ “ઓબીસી કે સવર્ણ?”, “સિનિયર કે જુનિયર?” જેવા સવાલો શહેરના રાજકીય માહોલમાં ઘુમરે ચઢ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકામાં મેયર પદ માટે અનેક દાવેદારોના નામ ચર્ચામાં છે. સંગઠન સાથે લાંબા સમયથી જોડાયેલા સિનિયર નેતાઓથી લઈને યુવા અને આક્રમક છબી ધરાવતા કોર્પોરેટરો સુધી અનેક નામો પર ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ જાતિગત અને રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને ભાજપ અંતિમ ક્ષણે ચોંકાવનારું નામ જાહેર કરે તેવી પણ શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ભાજપ આ વખતે રાજકોટમાં નવા ચહેરા સાથે યુવા નેતૃત્વને તક આપી શકે છે, તો કેટલાક વર્તુળોમાં અનુભવશીલ અને સંગઠન પ્રત્યે વફાદાર સિનિયર ચહેરાને જવાબદારી સોંપવાની ચર્ચાઓ પણ જોરમાં છે.

હવે સૌની નજર ભાજપ હાઈકમાન્ડની સત્તાવાર જાહેરાત પર ટકેલી છે. આગામી દિવસોમાં રાજકોટના નવા મેયરનું નામ જાહેર થતાં શહેરના રાજકારણમાં નવી દિશા અને નવા સમીકરણો ઉભા થશે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.

Leave a Comment

Traffic Tail