5-ડે બેંકિંગની માંગ અને નવી PLI સ્કીમના વિરોધમાં બેંક યુનિયનોના સંયુક્ત મોરચા UFBU દ્વારા દેશવ્યાપી એક દિવસની હડતાળ પાડવામાં આવી છે. જેના પગલે SBI, PNB, યુનિયન બેંક સહિત અનેક સરકારી બેંકોની શાખાઓમાં કામકાજ ઠપ્પ થયું છે.
હડતાળ બાદ 12 સપ્ટેમ્બરે બીજો શનિવાર અને 13 સપ્ટેમ્બરે રવિવાર હોવાથી બેંકો સતત ત્રણ દિવસ બંધ રહેશે. જોકે UPI, મોબાઇલ બેંકિંગ અને ATM જેવી ડિજિટલ સેવાઓ ચાલુ રહેવાની શક્યતા છે.
બેંક યુનિયનોની મુખ્ય માંગ તમામ શનિવારે રજા આપવાની છે. હાલ બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહે છે. નવા પ્રસ્તાવ મુજબ સોમવારથી શુક્રવાર સુધી દરરોજ 40 મિનિટ વધારાનો કામકાજનો સમય રાખવામાં આવશે.
8 માર્ચ 2024ના રોજ IBA અને બેંક યુનિયનો વચ્ચે કરાર થયા બાદ 5-ડે બેંકિંગનો પ્રસ્તાવ નાણા મંત્રાલયને મોકલાયો હતો, પરંતુ હજુ સુધી મંજૂરી મળી નથી.
યુનિયનો નવી પરફોર્મન્સ લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમનો પણ વિરોધ કરી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ સ્કેલ IV અને ઉપરના અધિકારીઓને કામગીરીના આધારે 365 દિવસ સુધીના બેસિક પે જેટલું PLI મળી શકે છે, જ્યારે સ્કેલ Iથી IIIના કર્મચારીઓને મહત્તમ 15 દિવસના બેસિક પે અને DA જેટલું PLI મળવાની જોગવાઈ છે.
યુનિયનોએ ચેતવણી આપી છે કે માંગણીઓનો ઉકેલ નહીં આવે તો 26 ઓક્ટોબરથી અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ કરવામાં આવી શકે છે.









