ક્રૂડ ઓઇલમાં આગ : બ્રેન્ટ $108ને પાર, પેટ્રોલ-ડીઝલ મોંઘા થવાની ભીતિ

અમેરિકા-ઈરાન વચ્ચેના વધતા યુદ્ધ અને અખાત વિસ્તારમાં ક્રૂડના સ્ટોકમાં ઘટાડાના સંકેતો વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં સડસડાટ વધારો થયો છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ $108ને પાર પહોંચતા ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાનું જોખમ પણ વધી ગયું છે. ક્રૂડની તેજીથી અર્થતંત્ર અને મોંઘવારી મોરચે સરકાર સામે નવો પડકાર ઊભો થવાની શક્યતા છે.

ઈરાન યુદ્ધ હારી ગયું હોવાના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા વચ્ચે ઈરાન તરફથી વધુ આક્રમક હુમલાના અહેવાલોથી બજારમાં ચિંતા વધી છે. બીજી તરફ સાઉદી અરેબિયાના ક્રૂડ સ્ટોકમાં ઘટાડાના સંકેતોને કારણે પણ ભાવમાં તેજી જોવા મળી છે.

આજે WTI ક્રૂડ $103.22 અને બ્રેન્ટ ક્રૂડ $108.60 પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું હતું. છેલ્લા બે દિવસથી ક્રૂડનો ભાવ $100થી ઉપર રહેતા ભારતીય પેટ્રોલિયમ કંપનીઓ પર ખર્ચનું દબાણ વધ્યું છે.

જો ક્રૂડના ભાવમાં તેજી આગામી દિવસોમાં પણ યથાવત રહે તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા છે. તેના કારણે પરિવહન ખર્ચ વધવાની સાથે મોંઘવારીને પણ વેગ મળી શકે છે અને ભારતીય અર્થતંત્ર પર દબાણ વધી શકે છે.

નિષ્ણાતોના અગાઉના અંદાજ મુજબ ક્રૂડનો ભાવ $110થી $115 સુધી પહોંચવાની શક્યતા હતી અને હવે તે આ સ્તરની નજીક પહોંચી ગયો છે. આગામી દિવસોમાં ભાવની દિશા ભારત માટે મહત્વપૂર્ણ બની રહેશે.

Leave a Comment

Traffic Tail