ભારત-EU મુક્ત વેપાર સંધિ હવે અંતિમ તબક્કામાં : 91 દેશોને 15% ડ્યૂટીમાંથી મુક્તિ
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેની મુક્ત વેપાર સંધિ (FTA) હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. એલ્યુમિનિયમ ભંગાર પર નિકાસ જકાત લાદવાની દરખાસ્ત સામે ભારતે સખત વાંધો ઉઠાવ્યા બાદ યુરોપિયન યુનિયને આ દરખાસ્ત પાછી ખેંચી હોવાનું જાણવા મળ્યું છે. આ નિર્ણયથી બંને પક્ષો વચ્ચેની સંધિને આખરી સ્વરૂપ આપવાનો માર્ગ મોકળો થયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, EU હવે એલ્યુમિનિયમ સ્ક્રેપ પર સીધી એક્સપોર્ટ ડ્યૂટી લાદવાને બદલે પોતાના દેશોના મેલ્ટિંગ અને રિસાયક્લિંગ ઉદ્યોગને સુરક્ષિત રાખવા માટે વૈકલ્પિક વ્યવસ્થા અપનાવશે. પર્યાવરણના રક્ષણ સાથે જોડાયેલા નિયમો દ્વારા સ્ક્રેપની નિકાસને નિયંત્રિત કરવાની દિશામાં પણ EU આગળ વધી શકે છે.
23 સપ્ટેમ્બરે મોટી જાહેરાતની શક્યતા
ભારત-EU મુક્ત વેપાર સંધિ અંગે 23 સપ્ટેમ્બરે સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે. અમેરિકાના ટેરિફ વોર અને સ્થાનિક ઉદ્યોગોના રક્ષણ જેવા મુદ્દાઓને કારણે એલ્યુમિનિયમ સ્ક્રેપ પર ડ્યૂટીના પ્રશ્ને EUમાં લાંબા સમયથી આંતરિક ચર્ચા ચાલી રહી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે યુરોપિયન કમિશને સંધિનો અંતિમ ડ્રાફ્ટ EU કાઉન્સિલને મોકલી દીધો છે. ઉદ્યોગજગત દ્વારા એલ્યુમિનિયમ નિકાસ પર 30 ટકા ડ્યૂટીની માંગ કરવામાં આવી હતી, જ્યારે કમિશન તરફથી 15 ટકા ડ્યૂટીની દરખાસ્ત કરવામાં આવી છે. જોકે, ભારત સહિત 91 દેશોને આ ડ્યૂટીમાંથી મુક્તિ આપવામાં આવશે.
EUમાંથી આવતા સ્ક્રેપમાં ભારતનો મોટો હિસ્સો
યુરોપિયન યુનિયનમાંથી નિકાસ થતા એલ્યુમિનિયમ ભંગારમાં ભારતનો હિસ્સો નોંધપાત્ર છે. EUમાંથી બહાર જતા એલ્યુમિનિયમ સ્ક્રેપમાંથી આશરે એક તૃતીયાંશ ભારત આવે છે.
આ જ કારણસર ભારતે જૂન મહિનામાં EUના પ્રસ્તાવિત નિયમોમાં રાહતની માંગ કરી હતી. ભારતની રજૂઆતો બાદ EUએ પોતાની મૂળ દરખાસ્તમાં ફેરફાર કર્યો હોવાનું સૂત્રોનું કહેવું છે.
ડિસેમ્બરમાં મોદી-EU કરાર પર હસ્તાક્ષર?
હવે સંધિની સત્તાવાર જાહેરાત બાદ આગામી તબક્કામાં તેને અમલમાં મૂકવાની પ્રક્રિયા શરૂ થશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડિસેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપિયન કમિશનના વડા વચ્ચે કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે.
ભારત-EU FTAથી બંને પક્ષો વચ્ચે વેપાર, રોકાણ અને બજારની પહોંચને વધુ વેગ મળવાની અપેક્ષા છે. એલ્યુમિનિયમ સહિત અનેક ક્ષેત્રોના ભારતીય ઉદ્યોગો માટે યુરોપિયન બજારમાં નવી તકો ઊભી થવાની સંભાવના છે.
આ રીતે, એલ્યુમિનિયમ સ્ક્રેપ પરની નિકાસ જકાતનો વિવાદ દૂર થતાં ભારત-EU વચ્ચેની ઐતિહાસિક વેપાર સંધિ માટેનો સૌથી મોટો અવરોધ પણ દૂર થતો દેખાઈ રહ્યો છે.









