વિજય માલ્યાને ઈડીનો ઝટકો : બેન્કોના પૈસા ચૂકવવાથી કેસ બંધ નહીં થાય

રૂ.9 હજાર કરોડના દેવા સામે રૂ.12 હજાર કરોડથી વધુ વસુલાયા હોવા છતાં મની લોન્ડ્રીંગની કાર્યવાહી ચાલુ રહેશે

વિજય માલ્યા સામે ચાલી રહેલા મની લોન્ડ્રીંગ કેસને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી) મુંબઈ હાઈકોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે માત્ર બેન્કોના નાણાંની વસુલાત થઈ જવાથી ફોજદારી કાર્યવાહી બંધ કરી શકાય નહીં.

માલ્યાની તરફથી દલીલ કરવામાં આવી હતી કે તેમની સામે આશરે રૂ.9 હજાર કરોડનું દેવું હતું, જ્યારે બેન્કો અત્યાર સુધીમાં રૂ.12 હજાર કરોડથી વધુની રકમ વસૂલી ચૂકી છે. તેથી તેમની સામેની કાર્યવાહી બંધ કરવામાં આવે અને વધારાની વસુલાત થયેલી રકમ બેન્કો પરત કરે તેવી માંગ કરવામાં આવી હતી.

જોકે, ઈડીના ધારાશાસ્ત્રીએ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે બેન્કોની વસુલાત અને મની લોન્ડ્રીંગ હેઠળની ફોજદારી કાર્યવાહી બે અલગ-અલગ બાબતો છે. માલ્યા સામે નાણાકીય ગેરરીતિના આધારે મની લોન્ડ્રીંગ એક્ટ હેઠળ કેસ નોંધાયો હોવાથી માત્ર નાણાંની ભરપાઈના આધારે કેસ સમાપ્ત થઈ શકે નહીં.

ઉલ્લેખનીય છે કે વિજય માલ્યા 2016માં ભારત છોડીને બ્રિટન ગયા હતા. ત્યારબાદ 2019માં તેમને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા. ઈડીના વલણથી હવે સ્પષ્ટ છે કે બેન્કોની વસુલાત છતાં માલ્યા સામેની કાયદાકીય કાર્યવાહી ચાલુ રહેશે.

Leave a Comment

Traffic Tail