ધોકા-પાઇપ સાથે આવેલા શખ્સોએ વાહનોના કાચ અને પાર્ટ્સ તોડ્યા : 68 વર્ષીય વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી
મોચીબજારના ચામડીયા ખાટકીવાડ વિસ્તારમાં મોડી રાત્રે અલ્તાફ બશીર ખિયાણી અને તેની સાથે આવેલા અજાણ્યા શખ્સોએ ધોકા-પાઇપ જેવા હથિયારો સાથે ધસી આવી વાહનોમાં તોડફોડ કરતાં ચકચાર મચી ગઈ હતી. ટોળકીએ BMW કાર, રિક્ષા, R15 બાઇક અને એક્સેસને નિશાન બનાવી નુકસાન પહોંચાડ્યું હતું. દરમિયાન તોડફોડનો વિરોધ કરનાર 68 વર્ષીય વૃદ્ધને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
મોચીબજાર ચામડીયા ખાટકીવાડમાં રહેતા રજાકભાઈ સિદ્દીકભાઈ શેખે એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તા.9ની રાત્રે તેઓ ઘરે સુતા હતા ત્યારે બહાર ધડાકા જેવો અવાજ સંભળાયો હતો. બહાર આવીને જોતા કેટલાક શખ્સો ધોકા અને પાઇપ જેવા હથિયારો વડે વાહનોમાં તોડફોડ કરી રહ્યા હતા.
ટોળકીએ ઘરની બહાર પાર્ક કરેલી BMW કાર નંબર DL-01-CP-5868નો પાછળનો કાચ અને નંબર પ્લેટ તોડી નાખ્યા હતા. ત્યારબાદ રજાકભાઈની રિક્ષા નંબર GJ-03-BX-6104નો આગળનો કાચ તોડી સાઇડમાં ઘોબા પાડ્યા હતા. તેમના ભત્રીજા અખ્તર મુસ્તાર શેખની R15 બાઇક નંબર GJ-03-HP-7032ના આગળના મોરા, ટાંકી અને અન્ય ભાગોને નુકસાન પહોંચાડ્યું હતું. એક્સેસ નંબર GJ-03-NQ-1426ના આગળના મોરા, લાઇટ સહિતના ભાગોમાં પણ તોડફોડ કરી હતી.
વૃદ્ધે વાહનોમાં નુકસાન કરવાની ના પાડતાં શખ્સોએ તેમની સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
રજાકભાઈએ બાજુના ફ્રુટ ગોડાઉનમાં કામ કરતા હિમાંશુ બલદાઈને બનાવ અંગે પૂછતાં તેણે તોડફોડ કરનારાઓમાં અલ્તાફ ખિયાણી અને તેની સાથે આવેલા શખ્સો હોવાની વાત જણાવી હતી. ફરિયાદ મુજબ, બાજુમાં આવેલા ગોડાઉનના સંચાલક શબીરભાઈ સાથે અલ્તાફ ખિયાણીનો અગાઉ ઝઘડો થયો હતો. આ જૂના વિવાદને કારણે ટોળકી દ્વારા વાહનોમાં તોડફોડ કરવામાં આવી હોવાની ફરિયાદમાં શંકા વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









