કેન્દ્રીય મંત્રીઓનું ડિજિટલ પરફોર્મન્સ કાર્ડ જાહેર

સોશિયલ મીડિયામાં PM મોદી ટોપ પરઃ Instagram, X અને Facebook પર મંત્રીઓની રેન્કિંગ તૈયાર

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રીઓની સોશિયલ મીડિયા પરની સક્રિયતા અને કામગીરીનું વિશેષ મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન તૈયાર કરાયેલો આ રિપોર્ટ તમામ મંત્રીઓને વ્યક્તિગત રીતે સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

આ રિપોર્ટ 1 મે 2026થી 15 ઓગસ્ટ 2026 સુધીના સાડા ત્રણ મહિનાના સમયગાળામાં મંત્રીઓની સોશિયલ મીડિયા એક્ટિવિટીના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. ઓવરઓલ સોશિયલ મીડિયા રેન્કિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નંબર-1 રહ્યા હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.

પોસ્ટ, લાઈક્સ અને એંગેજમેન્ટના આધારે રેન્કિંગ

મંત્રીઓનું મૂલ્યાંકન Instagram, X અને Facebook પરની કામગીરીના આધારે કરવામાં આવ્યું છે. તેમાં દૈનિક સરેરાશ પોસ્ટ્સ, કુલ એંગેજમેન્ટ, પ્રતિ પોસ્ટ સરેરાશ એંગેજમેન્ટ, લાઈક્સ અને ફોલોઅર્સની સંખ્યા જેવા વિવિધ માપદંડો સામેલ કરવામાં આવ્યા છે.

રિપોર્ટમાં માત્ર કેન્દ્રીય મંત્રીઓની જ કામગીરી નહીં, પરંતુ દેશના ટોચના નેતાઓના સોશિયલ મીડિયા ટ્રેક્શનને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું છે. આના આધારે મંત્રીઓને પોતાના ડિજિટલ પ્રદર્શનની અન્ય નેતાઓ સાથે સરખામણી કરવાની તક મળી છે.

જનતા સાથે ડિજિટલ સંવાદ વધારવા સૂચના

મંત્રીઓને સોશિયલ મીડિયા પર વધુ સક્રિય થવા, સરકારની કામગીરી લોકો સુધી પહોંચાડવા અને જનતા સાથે સીધો તથા અસરકારક સંવાદ સ્થાપિત કરવા સૂચના આપવામાં આવી છે.

કેબિનેટ ફેરબદલની ચર્ચા વચ્ચે રિપોર્ટ મહત્વનો

સોશિયલ મીડિયા હવે રાજકીય જનસંપર્કનું મહત્વનું માધ્યમ બની રહ્યું છે ત્યારે મંત્રીઓની ડિજિટલ કામગીરીને પણ ગંભીરતાથી જોવામાં આવી રહી છે. આગામી કેબિનેટ ફેરબદલની ચર્ચા વચ્ચે આ સોશિયલ મીડિયા રિપોર્ટ કાર્ડને વિશેષ મહત્વ મળી રહ્યું છે.

Leave a Comment

Traffic Tail