દિલ્હીમાં સ્વાતંત્ર્ય દિને વંદે માતરમના ગાનને લઈને સર્જાયેલો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં ગોવામાં કોંગ્રેસની રેલીમાં ફરી વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સભામાં વંદે માતરમના માત્ર પ્રારંભિક બે અંતરા ગાવામાં આવ્યા હતા.
ગોવા ભાજપના પ્રવક્તા દાજી કૃષ્ણ સાલકરે કોંગ્રેસ પર રાષ્ટ્રીય ગીતના અનાદરનો આરોપ લગાવી માફીની માંગ કરી છે. તેમના જણાવ્યા મુજબ કોંગ્રેસે 1937માં વંદે માતરમને ધર્મનિરપેક્ષ ન હોવાના કારણસર ટૂંકું કર્યું હતું અને હવે પણ એ જ ફોર્મેટ અપનાવવામાં આવી રહ્યું છે.
15 ઓગસ્ટે દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ વંદે માતરમના ગાનને લઈને ભાજપ અને સીપીએમએ કોંગ્રેસ પર સવાલો ઉઠાવ્યા હતા. ભાજપે કોંગ્રેસ નેતાઓ પર વંદે માતરમના અપમાનનો આરોપ લગાવ્યો હતો.
ભાજપનો દાવો છે કે પૂર્ણ વંદે માતરમ ગાવાની પરંપરા તેણે શરૂ કરી હતી. ગોવાની ઘટનાને પગલે હવે કોંગ્રેસ-ભાજપ વચ્ચે આ મુદ્દે રાજકીય ટકરાવ વધુ ઉગ્ર બન્યો છે.









