જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડોકટરો પાસે નિયમ કરતાં વધુ કામ કરાવવામાં આવતું હોવા તથા પૂરતી ઊંઘ અને ખોરાક ન મળતા હોવાના બેનામી આક્ષેપોને કોલેજના ડીન ડો. નંદિની દેસાઈએ પાયાવિહોણા ગણાવી નકારી કાઢ્યા છે.
બેનામી ફરિયાદ મળ્યા બાદ કોલેજ વહીવટી તંત્રે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ડીનના જણાવ્યા મુજબ, તમામ 22 વિભાગના વડાઓ પાસેથી અહેવાલ મંગાવવામાં આવ્યો હતો અને તમામ વિભાગોએ આક્ષેપોમાં કોઈ તથ્ય ન હોવાનું જણાવ્યું હતું.
ડીને સ્પષ્ટ કર્યું કે રેસિડેન્ટ ડોકટરોની પૂરતી કાળજી લેવામાં આવે છે. મહિનાઓ સુધી રજા ન મળતી હોવાના આક્ષેપો પણ તદ્દન ખોટા હોવાનું તેમણે જણાવ્યું હતું.
વિદ્યાર્થીઓ માટે ફરિયાદની વ્યવસ્થા
વિદ્યાર્થીઓ પોતાની સમસ્યાઓ કોઈપણ ભય વિના રજૂ કરી શકે તે માટે કોલેજમાં QR કોડ સિસ્ટમ, ડીનની ઈ-મેલ આઈડી અને મેન્ટરની વ્યવસ્થા ઉપલબ્ધ છે. અત્યાર સુધી આવી કોઈ ફરિયાદ મળી નથી.
કોલેજ વહીવટી તંત્રના જણાવ્યા મુજબ, ભવિષ્યમાં કોઈ વાસ્તવિક સમસ્યા સામે આવશે તો તેની યોગ્ય તપાસ કરી નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.









