બલુચીસ્તાનમાં કોસ્ટગાર્ડ કેમ્પ પર હુમલાનો દાવો, 30 સૈનિકોના મોતનો દાવો

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના બલુચીસ્તાન પ્રાંતમાં સુરક્ષા દળો પર વધુ એક મોટા હુમલાનો દાવો કરવામાં આવ્યો છે. ગ્વાદર જિલ્લાના જીવાની વિસ્તારમાં આવેલા પાકિસ્તાન કોસ્ટગાર્ડના કેમ્પને નિશાન બનાવી ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હોવાનો દાવો અલગ બલુચીસ્તાનની માંગ કરતું એક અલગતાવાદી સંગઠને કર્યો છે.

સંગઠન દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, 3 જુલાઈની સાંજે કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ વિસ્ફોટકોથી ભરેલું વાહન કેમ્પમાં ઘુસાડીને શક્તિશાળી વિસ્ફોટ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સંગઠનના જણાવ્યા અનુસાર, આ હુમલામાં 30થી વધુ સૈનિકોના મોત થયા હોવાનો અને અનેક જવાનો ઘાયલ થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ આંકડાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.

હુમલાની જવાબદારી સ્વીકારતા સંગઠને ભવિષ્યમાં પણ આવા હુમલા ચાલુ રાખવાની ચેતવણી આપી હતી અને બલુચીસ્તાનને અલગ રાજ્ય બનાવવાની પોતાની માંગ ફરી દોહરાવી હતી.

બીજી તરફ, સમાચાર લખાય ત્યાં સુધી પાકિસ્તાન સરકાર અથવા પાકિસ્તાન કોસ્ટગાર્ડ તરફથી આ હુમલા અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું ન હતું. તેમજ જાનહાનિ અને હુમલાની વિગતો અંગે પણ સત્તાવાર પુષ્ટિ મળી નથી.

Leave a Comment

Traffic Tail