રાજુલા, બગસરા અને અમરેલીમાં ધોધમાર વરસાદ; રાયડી નદીમાં ઘોડાપૂર, પશુપાલકનો આબાદ બચાવ
અમરેલી: લાંબી રાહ બાદ ચોમાસાએ અમરેલી જિલ્લામાં જોરદાર એન્ટ્રી કરતાં સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. જિલ્લાના 11માંથી 10 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. રાજુલા, જાફરાબાદ, ખાંભા, બગસરા, વડીયા, લાઠી, લીલીયા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ મન મૂકીને વરસતાં ખેડૂતોમાં વાવણીને લઈને નવી આશા જાગી છે. બીજી તરફ ગોહિલવાડ પંથકના મહુવા અને તળાજા વિસ્તારમાં પણ વરસાદની પધરામણી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા હતા, જ્યારે ખેતરોમાં પણ પાણી ભરાઈ જતાં ખેડૂતોમાં રાહત જોવા મળી હતી. ખાસ કરીને ગીર અને કોસ્ટલ બેલ્ટમાં સારો વરસાદ નોંધાતા આગામી ખેતી સીઝન માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ છે.
અમરેલી શહેરમાં લગભગ 12 દિવસ બાદ દોઢ ઇંચથી વધુ વરસાદ વરસતાં લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. જોકે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
રાજુલા તાલુકાના ચોત્રા ગામે ભારે વરસાદને કારણે રાયડી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. નદી બે કાંઠે વહેતાં પશુપાલક ધકડાભાઈના અંદાજે 15થી 20 બકરાં પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. બકરાંને બચાવવાનો પ્રયાસ કરતાં પશુપાલક પણ પાણીમાં તણાઈ ગયા હતા, પરંતુ ગામલોકોની સમયસરની સતર્કતા અને બહાદુરીથી તેમનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. પ્રથમ જ વરસાદમાં નદીમાં આવેલા ઘોડાપૂરને જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા.
રાજુલા તાલુકાના પીપાવાવ, ખાખબાઈ, છતડીયા, હિંડોરણા, કાતર, કોટડી, બારપટોળી, ખેરા, પટવા, સમઢિયાળા, વડ અને કડિયાળી સહિતના ગામોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. પીપાવાવ પોર્ટ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો.
જાફરાબાદ તાલુકાના કાગવદર, મીઠાપુર, દુધાળા, હેમાળ, લોર, ફાચરિયા, માણસા અને પાટી માણસા સહિતના ગામોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. પાટી માણસા ગામે ભાડિયો નદીમાં પણ પાણી વહેતા થયા હતા.
ખાંભા ગીર પંથકમાં ખાંભા શહેર ઉપરાંત તાલડા, ચોત્રા, ત્રાકુડા અને ભાવરડી ગામોમાં વરસાદથી ખેતરો પાણીથી તરબતર થઈ ગયા હતા. બગસરા તાલુકામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો, જ્યારે મોટા મુંજયાસર અને ડેરી પીપળીયા સહિતના ગામોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
વડીયા તાલુકાના અરજણસુખ, અનિડા, ઉજળા, ખાખરિયા અને મોટા ઉજળા ગામોમાં પણ મેઘરાજાએ મહેર વરસાવી હતી. સમગ્ર જિલ્લામાં વરસાદથી નદીઓ અને જળાશયોમાં નવા નીરની આવક શરૂ થતાં ખેડૂતો ઉપરાંત સામાન્ય નાગરિકોમાં પણ રાહતની લાગણી પ્રસરી છે.
છેલ્લા 24 કલાક દરમિયાન અમરેલી જિલ્લામાં અમરેલીમાં 40 મીમી, કુંકાવાવ-વડીયામાં 30 મીમી, બાબરામાં 7 મીમી, લાઠીમાં 7 મીમી, લીલીયામાં 24 મીમી, બગસરામાં 52 મીમી, ધારીમાં 1 મીમી, ખાંભામાં 3 મીમી, જાફરાબાદમાં 3 મીમી અને રાજુલામાં 45 મીમી વરસાદ નોંધાયો હતો.









