અનેક વિસ્તારોમાં રસ્તા બેસવાની ઘટનાઓ યથાવત; રોડ નિર્માણની કામગીરી સામે ફરી સવાલો
સુરત: શહેરમાં સામાન્ય વરસાદ બાદ પણ રસ્તા ધસી પડવાની ઘટનાઓ યથાવત રહેતાં મનપાની કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે. ડિંડોલી ચાર રસ્તા નજીક અચાનક રોડ બેસી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
રસ્તો ધસી પડતાં સર્જાયેલા મોટા ખાડામાં એક ભારે ટ્રક ફસાઈ ગયો હતો. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, રોડના નિર્માણ અને સમારકામની કામગીરીમાં બેદરકારીને કારણે આ ઘટના બની હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તા બેસી જવા અને ભુવા પડવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે.
ઘટનાની જાણ થતાં મનપાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિકને અન્ય માર્ગો પર ડાયવર્ટ કરી રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરી હતી.
વારંવાર બની રહેલી આવી ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ ધસી પડતાં લોકો સુરક્ષા અને વિકાસકાર્યોની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે.









