ખાંડના ભાવ પર કેન્દ્રનો કંટ્રોલ: 1 ઓગસ્ટથી સ્ટોક લિમિટ લાગુ, સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી

ડીલરો હવે 400 ટનથી વધુ ખાંડનો જથ્થો રાખી શકશે નહીં; તહેવારો પહેલાં બજારમાં પૂરતો પુરવઠો જાળવવા સરકારનો નિર્ણય

નવી દિલ્હી: તહેવારોની સિઝન દરમિયાન ખાંડના ભાવમાં અનિયંત્રિત વધારો અટકાવવા કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું છે. 1 ઓગસ્ટથી 30 નવેમ્બર સુધી દેશભરમાં ખાંડના વેપારીઓ માટે 400 ટન સ્ટોક મર્યાદા લાગુ કરવામાં આવી છે. નવા નિયમો મુજબ કોઈપણ ડીલર નિર્ધારિત મર્યાદાથી વધુ ખાંડનો જથ્થો રાખી શકશે નહીં.

કેન્દ્રના ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ હેઠળ આદેશ જાહેર કરતાં જણાવ્યું છે કે વેપારીઓએ 1 ઓગસ્ટ પહેલાં વધારાનો સ્ટોક ઘટાડવો ફરજિયાત રહેશે. ઉપરાંત ખાંડ ખરીદ્યા બાદ 30 દિવસની અંદર તેનું વેચાણ કરવું પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

સરકારના જણાવ્યા મુજબ બજારમાં કેટલાક વેપારીઓ દ્વારા સંગ્રહખોરી, અટકળબાજી અને પેપર ટ્રેડિંગના કારણે કૃત્રિમ અછત ઉભી થઈ રહી હતી, જેના કારણે ખાંડના ભાવમાં અસ્વાભાવિક વધારો નોંધાયો હતો. આ પ્રવૃત્તિઓને રોકવા માટે જ સ્ટોક મર્યાદા લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારનું માનવું છે કે આ નિર્ણયથી તહેવારો દરમિયાન બજારમાં ખાંડનો પૂરતો પુરવઠો જળવાઈ રહેશે, ભાવમાં સ્થિરતા આવશે અને સામાન્ય ગ્રાહકોને રાહત મળશે. અગાઉ સરકારે ખાંડની નિકાસ પર નિયંત્રણ મૂકી સ્થાનિક બજારમાં ઉપલબ્ધતા વધારવાનો પણ નિર્ણય લીધો હતો.

જોકે, સરકારી એજન્સીઓના સ્ટોક અને રાજ્ય સરકાર દ્વારા અધિકૃત કરાયેલા ડીલરોને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. સરકાર હવે નિયમના અમલ પર સતત નજર રાખશે અને ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરશે.

Leave a Comment

Traffic Tail