1,050 બોટલ વિદેશી દારૂ, કાર-સ્કૂટર સહિત ₹14.93 લાખનો મુદ્દામાલ જપ્ત; ચાર કૂખ્યાત બુટલેગરો ફરાર
રાજકોટ: શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની ઝુંબેશ વધુ આક્રમક બની છે. ગેરકાયદે હથિયારોના રેકેટ પર કાર્યવાહી બાદ હવે શહેર પોલીસે બુટલેગરો સામે મેગા ઓપરેશન હાથ ધરી 8 અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી મહિલા સહિત 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે. કાર્યવાહી દરમિયાન 1,050 બોટલ વિદેશી દારૂ અને વાહનો સહિત કુલ ₹14.93 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
સૌથી મોટી કાર્યવાહી એલસીબી ઝોન-1ની ટીમે આજીડેમ ચોકડી વિસ્તારમાં કરી હતી, જ્યાં ક્રેટા કારમાંથી 444 બોટલ વિદેશી દારૂ ઝડપાયો હતો. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સપ્લાયર સામે પણ ગુનો નોંધાયો છે.
એલસીબી ઝોન-2એ ભીલવાસ વિસ્તારમાં દરોડો પાડી 480 બોટલ દારૂનો જથ્થો કબજે કર્યો હતો. તપાસમાં શહેરના બે કૂખ્યાત બુટલેગરોના નામ સામે આવતાં તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ ઉપરાંત પ્ર.નગર, ગાંધીગ્રામ, યુનિવર્સિટી, થોરાળા અને એરપોર્ટ પોલીસ મથકોએ અલગ-અલગ કાર્યવાહીમાં દારૂ સાથે અનેક આરોપીઓને ઝડપી લીધા હતા. એક મહિલા બુટલેગર પણ પોલીસના હાથે ઝડપાઈ છે, જ્યારે કેટલાક કેસોમાં સપ્લાયરોના નામ ખુલતાં તેમની ધરપકડ માટે ટીમો કાર્યરત થઈ છે.
પોલીસના જણાવ્યા મુજબ શહેરમાં દારૂના ગેરકાયદેસર વેપારને જડમૂળથી નાબૂદ કરવા સતત કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવશે. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછના આધારે સમગ્ર સપ્લાય નેટવર્ક, મુખ્ય સૂત્રધારો અને અન્ય સંડોવાયેલા શખ્સો સુધી પહોંચવા તપાસ વધુ તેજ કરવામાં આવી છે.









