નલખેડામાં વરસાદી નાળામાં કાર તણાઈ, 8 શ્રદ્ધાળુનાં મોત; મૃતકોમાં 3 બાળકો

આગર-માલવાઃ મધ્યપ્રદેશના નલખેડામાં માતા બગલામુખી મંદિરના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની કાર વરસાદી નાળાના ભારે પ્રવાહમાં તણાઈ ગઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર તમામ 8 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં 3 બાળકો, 2 મહિલાઓ અને 3 પુરુષોનો સમાવેશ થાય છે. તમામ મૃતકો ઓડિશાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ શ્રદ્ધાળુઓ ઉજ્જૈનથી ટેક્સી ભાડે લઈને માતા બગલામુખી મંદિર પહોંચ્યા હતા. દર્શન બાદ પરત ફરતી વખતે મંદિર નજીકનો વરસાદી નાળો ભારે પાણીના પ્રવાહ સાથે બે કાંઠે વહી રહ્યો હતો. આ દરમિયાન કારચાલકે નાળો પાર કરવાનો પ્રયાસ કરતાં કાર પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ અને પ્રશાસનની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. રેસ્ક્યૂ ટીમે ભારે જહેમત બાદ કારને નાળામાંથી બહાર કાઢી હતી, પરંતુ તેમાં સવાર તમામ 8 લોકોના મોત થઈ ચૂક્યા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં કારચાલકે ઉતાવળમાં નાળો પાર કરવાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા છે. ભારે વરસાદને કારણે નાળામાં પાણીનો પ્રવાહ અચાનક વધી જતા કાર તણાઈ હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે.

Leave a Comment

Traffic Tail