કાર ખરીદવી હવે વધુ મોંઘી પડશે!

મારુતિ-હ્યુન્ડાઈ બાદ ટાટા મોટર્સનો ભાવવધારો, 1 સપ્ટેમ્બરથી રૂ.25 હજાર સુધીનો વધારો

દેશમાં કાર ખરીદનારા લોકો માટે ફરી એકવાર મોટો ખર્ચ ઊભો થયો છે. મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઈ બાદ હવે ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ લિમિટેડે પણ પોતાની કાર અને SUVના ભાવ વધારવાની જાહેરાત કરી છે. પેટ્રોલ-ડીઝલ કારની સાથે ઇલેક્ટ્રિક વાહનો પણ આ ભાવવધારાની અસર હેઠળ આવશે.

ટાટા મોટર્સની નવી કિંમતો 1 સપ્ટેમ્બરથી લાગુ થશે અને મોડલ તથા વેરિઅન્ટ પ્રમાણે મહત્તમ રૂ.25 હજાર સુધીનો વધારો કરવામાં આવશે.

= કાચો માલ મોંઘો થતાં ભાવ વધારવાનો નિર્ણય

કંપનીના જણાવ્યા પ્રમાણે કાચા માલની વધતી કિંમત, અન્ય ઇનપુટ કોસ્ટમાં વધારો અને સતત મોંઘવારીના દબાણને કારણે ભાવ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કંપનીનો દાવો છે કે વધેલા ઉત્પાદન ખર્ચનો મોટો હિસ્સો તે પોતે સહન કરી રહી છે અને માત્ર એક ભાગનો બોજ ભાવવધારા મારફતે ગ્રાહકો પર નાખવામાં આવી રહ્યો છે.

= નવા નિયમો અને ફીચર્સે પણ કાર મોંઘી કરી

કારોની કિંમત વધવા પાછળ માત્ર મોંઘો કાચો માલ જ જવાબદાર નથી. SUVની વધતી માંગ, ગ્રાહકોનો મોંઘા વેરિઅન્ટ તરફ વધતો ઝોક, નવા સુરક્ષા અને ઉત્સર્જન નિયમો તથા વાહનોમાં ઉમેરાતા નવા ફીચર્સને કારણે પણ કારની સરેરાશ કિંમત વધી રહી છે.

= મારુતિએ પહેલેથી જ વધારી દીધા છે ભાવ

મારુતિ સુઝુકીએ ઓગસ્ટમાં Arena અને Nexaના 18 મોડલની કિંમતોમાં વધારો કર્યો છે. અલગ-અલગ મોડલ પ્રમાણે રૂ.2,500થી રૂ.30 હજાર સુધીનો ભાવવધારો કરવામાં આવ્યો છે.

ઓલ્ટોની કિંમતમાં આશરે રૂ.2,500નો વધારો થયો છે, જ્યારે સ્વિફ્ટ અને બ્રેઝા જેવી કારના ભાવમાં રૂ.5 હજારથી રૂ.7,500 સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

= હ્યુન્ડાઈ પણ સપ્ટેમ્બરથી કરશે ભાવવધારો

હ્યુન્ડાઈએ પણ 1 સપ્ટેમ્બરથી કારના ભાવમાં 1 ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. અલગ-અલગ મોડલ અને વેરિઅન્ટ પ્રમાણે ભાવવધારો અલગ રહેશે.

વધતો ઉત્પાદન ખર્ચ, લોજિસ્ટિક્સ ખર્ચ, સપ્લાય ચેઇન પરનું દબાણ અને સ્પેરપાર્ટ્સની વધતી કિંમતને કંપનીએ ભાવવધારા પાછળના મુખ્ય કારણો ગણાવ્યા છે.

= પાંચ વર્ષમાં કારનું વેચાણ 71 ટકા વધ્યું

SIAMના આંકડા મુજબ ભારતમાં પેસેન્જર વાહનોનું વેચાણ 2020-21માં 27.11 લાખ હતું, જે 2025-26માં વધીને 46.43 લાખ થયું છે.

આમ, પાંચ વર્ષમાં કારના વેચાણમાં 19.32 લાખ વાહનનો વધારો એટલે કે આશરે 71 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.

= ટાટા મોટર્સે આ ત્રિમાસિકમાં બીજી વખત ભાવ વધાર્યો

ટાટા મોટર્સે આ ત્રિમાસિકમાં બીજી વખત ભાવવધારો જાહેર કર્યો છે. આ પહેલાં જૂનમાં કંપનીએ પોતાના પેસેન્જર વ્હીકલ્સના ભાવમાં 1.5 ટકા સુધીનો વધારો કર્યો હતો, જે 1 જુલાઈથી અમલમાં આવ્યો હતો.

હવે 1 સપ્ટેમ્બરથી ફરી ભાવ વધારવામાં આવશે, જેના કારણે ટાટાની કાર ખરીદનારાઓનું બજેટ વધુ વધી જશે.

= છ વર્ષમાં નવી કારની સરેરાશ કિંમત 47 ટકા વધી

ભારતમાં નવી કારની સરેરાશ કિંમતમાં પણ મોટો વધારો થયો છે. 2019માં નવી કારની સરેરાશ રિટેલ કિંમત આશરે રૂ.8.07 લાખ હતી. 2024માં આ કિંમત વધીને રૂ.11.64 લાખ અને 2025ની શરૂઆતમાં આશરે રૂ.11.84 લાખ થઈ હતી.

અર્થાત્, 2019થી 2025 દરમિયાન નવી કારની સરેરાશ કિંમતમાં આશરે 47 ટકાનો વધારો થયો છે.

કારની માંગ અને વેચાણમાં વધારો થયો હોવા છતાં સતત ભાવવધારાને કારણે મધ્યમવર્ગ માટે નવી કાર ખરીદવી હવે વધુ મોટો આર્થિક નિર્ણય બની રહી છે.

Leave a Comment

Traffic Tail