RTIમાં ચોંકાવનારો ખુલાસો : ₹9,946 કરોડની વસૂલાતનો દાવો, પરંતુ કોની કેટલી રકમ માંડવાળ કરી તે જાહેર નહીં
સરકારી બેન્કોના મોટા ડિફોલ્ટરો અને NPAનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. બેન્ક ઓફ બરોડા દ્વારા ₹100 કરોડ કે તેથી વધુની બાકી રકમ ધરાવતા ખાતાઓમાંથી 2020-21થી 2025-26 દરમિયાન ₹35,715 કરોડની રકમ માંડવાળ કરવામાં આવી હોવાનો ખુલાસો RTIના જવાબમાં થયો છે.
માહિતીના અધિકાર હેઠળ પૂછાયેલા સવાલના જવાબમાં બેન્કે પોતે આ આંકડાની પુષ્ટિ કરી છે. બેન્કે સાથે એવો પણ દાવો કર્યો છે કે આ સમયગાળા દરમિયાન ₹9,946 કરોડની રકમ રિકવર કરવામાં આવી છે.
= કરોડોની રકમ માંડવાળ, પરંતુ બાકીદારો કોણ?
RTIમાં મોટા બાકીદારોની વિગતો પણ માંગવામાં આવી હતી. કયા બાકીદાર પાસેથી કેટલી રકમ બાકી હતી અને કેટલી રકમ માંડવાળ કરવામાં આવી તેની અલગ-અલગ માહિતી બેન્કે આપવાનો ઇનકાર કર્યો હોવાનું સામે આવ્યું છે.
અર્થાત્, ₹35 હજાર કરોડથી વધુની રકમ માંડવાળ થઈ હોવાની માહિતી તો મળી, પરંતુ આ રકમ કયા ડિફોલ્ટરોના ખાતામાંથી માંડવાળ કરવામાં આવી તે અંગે હજુ સ્પષ્ટતા નથી.
= RTI એક્ટિવિસ્ટે માંગી હતી વિગતો
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી માહિતી અનુસાર RTI એક્ટિવિસ્ટ વિવેક વેલાનકરે બેન્ક પાસે આ અંગે માહિતી માંગી હતી. બેન્કે કુલ માંડવાળ અને વસૂલાતના આંકડા આપ્યા, પરંતુ વ્યક્તિગત બાકીદારોની વિગતો જાહેર કરી નહોતી.
= નાના લોનધારકો માટે કડક નિયમ, મોટા ડિફોલ્ટરો માટે અલગ માપદંડ?
આ ખુલાસા બાદ બેન્કોની વસૂલાતની રીત અંગે સવાલો ઊભા થયા છે. સામાન્ય લોનધારક હપ્તા ચૂકવવામાં નિષ્ફળ જાય ત્યારે બેન્કો રિકવરી એજન્ટો મારફતે વસૂલાતની કાર્યવાહી કરે છે અને ગંભીર કિસ્સામાં મિલકતની હરાજી પણ કરવામાં આવે છે.
બીજી તરફ, ₹100 કરોડથી વધુની બાકી રકમ ધરાવતા ખાતાઓમાંથી ₹35,715 કરોડ માંડવાળ થવાની માહિતી સામે આવી છે. આવા કિસ્સામાં મોટા ડિફોલ્ટરોની ઓળખ અને રકમની વિગતો જાહેર ન થવાથી પારદર્શિતા અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
= હવે મોટા ડિફોલ્ટરોના નામ જાહેર કરવાની માંગ
બેન્કે ₹9,946 કરોડની વસૂલાતનો દાવો કર્યો છે, પરંતુ સામાન્ય લોકો માટે સવાલ એ છે કે ₹35,715 કરોડમાંથી કોની કેટલી રકમ માંડવાળ કરવામાં આવી અને શા માટે?
નાના લોનધારકની નાની બાકી રકમ માટે કડક કાર્યવાહી અને મોટા ડિફોલ્ટરોના હજારો કરોડની માંડવાળ અંગે ગુપ્તતા—આ વિરોધાભાસે હવે સરકારી બેન્કોની પારદર્શિતા અને જવાબદારી પર સવાલો ઉભા કર્યા છે.









