વૈશ્વિક સ્તરે યુદ્ધ અને આર્થિક અનિશ્ચિતતા વચ્ચે રેટિંગ એજન્સી મૂડીઝે ભારતના વિકાસદરના અનુમાનમાં 1 ટકાનો વધારો કર્યો છે. મૂડીઝે 2026 માટે ભારતનો આર્થિક વિકાસદર 6 ટકાથી વધારીને 7 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.
મૂડીઝના મતે ભારતની મજબૂત સ્થાનિક માગ, ખાનગી વપરાશ, સરકારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ અને સર્વિસ સેક્ટરની કામગીરી અર્થતંત્રને વેગ આપી રહી છે. વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતની આર્થિક સ્થિરતા જળવાઈ રહી હોવાનું એજન્સીએ જણાવ્યું છે.
ભારતમાં ખાનગી ક્ષેત્રની પ્રવૃત્તિમાં સુધારો અને રોકાણને કારણે પણ વૃદ્ધિને ટેકો મળી રહ્યો છે. સરકાર દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ઉત્પાદન અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર પર સતત ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
મૂડીઝનો આ અંદાજ S&P અને RBIના તાજેતરના અનુમાન કરતાં વધુ છે. S&Pએ જૂનમાં ભારતનો વિકાસદર 6.6 ટકા રહેવાનો અંદાજ આપ્યો હતો, જ્યારે RBIએ પણ પોતાનું અનુમાન 6.9 ટકાથી ઘટાડીને 6.6 ટકા કર્યું હતું.
મૂડીઝે સરકારી નીતિઓ, સ્થાનિક નાણાકીય આધાર, રોકાણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ માટેના મહત્વના પરિબળો ગણાવ્યા છે.









